News of Saturday, 3rd February 2018

ઇશરત કેસ : પાંડેની ડિસ્ચાર્જ અરજી પર ૧૬મીએ ચુકાદો

પોતાની કોઇ સંડોવણી નહી હોવાનો પાંડેનો બચાવ : પાંડેની ડિસ્ચાર્જ અરજીના કેસમાં અગાઉ ઇશરતની માતા શમીમા કૌસર પણ પક્ષકાર તરીકે જોડાઇ હતી : અહેવાલ

અમદાવાદ,તા. ૩ : ચકચારભર્યા ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના નિવૃત્ત ઇન્ચાર્જ ડીજીપી પી.પી.પાંડેની આ કેસમાંથી પોતાને બિનતહોમત છોડી મૂકવા અંગેની ડિસ્ચાર્જ અરજીની સુનાવણી પૂર્ણ થઇ જતાં અત્રેની સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે આ અરજી પરનો ચુકાદો તા.૧૬મી ફેબ્રુઆરી પર અનામત રાખ્યો છે.

         ઇશરત કેસમાં ગુજરાતના નિવૃત્ત ઇન્ચાર્જ ડીજીપી પી.પી.પાંડે દ્વારા દાખલ કરાયેલી આ ડિસ્ચાર્જ અરજીમાં અગાઉ ઇશરતની માતા શમીમાકૌસરે પણ અરજી કરી તેને આ કેસમાં પક્ષકાર તરીકે જોડવા માંગણી કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. શમીમા કૌસર દ્વારા પાંડેની ડિસ્ચાર્જ અરજીનો સખત વિરોધ પણ અગાઉ કરાયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારી પી.પી.પાંડેએ પોતાને એ કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા દાદ માંગતી કરેલી ડિસ્ચાર્જ અરજીમાં એ મતલબની રજૂઆત કરી હતી કે, અરજદારની આ કેસમાં કોઇપણ પ્રકારે સંડોવણી કે જવાબદારી બનતી નથી કે તેમની વિરૂધ્ધમાં કોઇ પ્રથમદર્શનીય ગુનો પણ પ્રસ્થાપતિ થતો નથી. ખાસ કરીને કેસના ૧૦૫ સાક્ષીઓ કે જેઓને કોર્ટ રૂબરૂ તપાસવામાં આવ્યા છે, તેમાંથી કોઇએ પણ અરજદારનું નામ આરોપી તરીકે આપ્યુ નથી કે જણાવ્યું નથી. આમ, તેમની આ કેસમાં સીધી કે આડકતરી સંડોવણી જ નથી.  તેમણે વધુમાં એવા મુદ્દા પણ ઉપસ્થિત કર્યા હતા કે, તેમની કામગીરીને ધ્યાનમાં લઇને જ ગુજરાત સરકારે તેમને નિવૃત્તિ બાદ પણ રાજય પોલીસમાં ઇન્ચાર્જ ડીજીપી પદે પુનઃસ્થાપિત કર્યા હતા, તેથી કોર્ટે તે બાબત પણ ધ્યાને લેવી જોઇએ. પાંડેએ એ મુદ્દે પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, આ કેસમાં સીબીઆઇ દ્વારા દાખલ કરાયેલા પૂરવણી ચાર્જશીટમાં નિવૃત્ત સ્પેશ્યલ આઇબી ડાયરેકટર રાજેન્દ્રકુમારનું નામ આરોપી તરીકે દર્શાવ્યું હોવાછતાં હજુ સુધી તેને કોર્ટના રેકર્ડ પર લવાયા નથી. અરજદારને ખોટી રીતે આ કેસમાં સંડોવી દેવાયા છે અને તેમની વિરૂધ્ધ કોઇ ગુનો બનતો નહી હોવાથી કોર્ટે તેમને આ કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા જોઇએ.

 ઉલ્લેખનીય છે કે, સીબીઆઇએ ૨૦૧૩માં દાખલ કરેલા પ્રથમ ચાર્જશીટમાં પી.પી.પાંડે, ડી.જી.વણઝારા, જી.એલ.સિંઘલ સહિતના રાજયના સાત ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામો સામેલ કર્યા હતા, જેને લઇ જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. ગત તા.૧૫-૬-૨૦૦૪ના રોજ ઇશરત જહાં, તેના મિત્ર જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લાઇ અને અન્ય બે શખ્સો સાથે કોતરપુર વોટર વર્કસ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ક્રાઇમબ્રાંચ સાથેના એન્કાઉન્ટરમાં આ ચારેય જણાં માર્યા ગયા હતા.

(8:11 pm IST)
  • જમ્મુ કાશ્મીરના બારામુલામાંથી બે આતંકીઓ ઝડપાયા : સુરક્ષાદળોએ બંને આતંકીઓની કરી ધરપકડ : તેઓએ પાકિસ્તાનમાં ટ્રેનીંગ લીધી હોવાનું ખુલ્યુ access_time 5:55 pm IST

  • જાફરાબાદ કોંગ્રેસમાં ભૂકંપ : ચંદુભાઈ બારૈયાએ ભગવો ધારણ કર્યો : અમરેલીના જાફરાબાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચંદુભાઈ બારૈયા ભાજપમાં જોડાઈ જતાં ખળભળાટ access_time 5:55 pm IST

  • અમદાવાદ : અમિતભાઈ શાહના પુત્ર જય શાહે ખાનગી ન્યૂઝ પોર્ટલ (ધ વાયર પોર્ટલ) સામે કરેલી બદનક્ષીની ફરીયાદનો મામલો : આજે મેટ્રો કોર્ટમાં પોર્ટલના એડિટર રોહિણી સિંગ સહિત તમામ કોર્ટમાં હાજર રહ્યા : હવે પછીની સુનવણી ૧૭ માર્ચે access_time 3:33 pm IST