Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

જય શાહ ફરિયાદના કેસમાં બધા આરોપી કોર્ટમાં હાજર

તમામે ગુનો કબૂલ નહી હોવાની વાત કોર્ટને જણાવી : આરોપીઓની નોંધ રેકોર્ડ કર્યા બાદ કેસની વધુ સુનાવણી ૧૭મી માર્ચે થશે : આગામી ચરણમાં ચાર્જફ્રેમ કાર્યવાહી

અમદાવાદ,તા. ૩ :         નવી દિલ્હીના ધ વાયર નામના ન્યુઝ પોર્ટલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ અને તેની કંપની વિશે લખાયેલા વિવાદીત અને બદનક્ષીભર્યા આર્ટિકલ અંગે જય શાહે અત્રેની મેટ્રોપોલીટન કોર્ટમાં પોર્ટલના રિપોર્ટર રોહિણીસિંહ સહિત સાત આરોપીઓ વિરૂધ્ધ દાખલ કરેલી બદનક્ષીની ફરિયાદના કેસમાં આજે તમામ આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા. કોર્ટે આરોપીઓની પ્લી રેકોર્ડ કરી હતી, જેમાં આરોપીઓએ સાફ શબ્દોમાં તેમની વિરૂધ્ધ જે ગુનાનો આરોપ લગાવવામાં આવ્યો છે, તે તેઓને કબૂલ નથી અને આ સમગ્ર આરોપ બેબુનિયાદ અને અસ્થાને હોવાની વાત કોર્ટ સમક્ષ જણાવી હતી. કોર્ટે આરોપીઓની પ્લી રેકોર્ડ કરી કેસની વધુ સુનાવણી તા.૧૭મી માર્ચ પર મુકરર કરી હતી.

   જય શાહ દ્વારા ધ વાયર નામના ન્યુઝ પોર્ટલ વિરૂધ્ધ દાખલ કરાયેલી બદનક્ષીની ફરિયાદના કેસમાં રિપોર્ટર રોહિણીસિંહ ઉપરાંત ન્યુઝ પોર્ટલના ફાઉન્ડીંગ એડિટર સિધ્ધાર્થ વરદરાજન, સિધ્ધાર્થ ભાટિયા, એમ.કે.વેણુ, મેનેજીંગ એડિટર મોનોબીના ગુપ્તા, પબ્લીક એડિટર પામેલા ફિલિપોઝ સહિતના આરોપીઓ કોર્ટ રૂબરૂ હાજર રહ્યા હતા. તમામે તેમની વિરૂધ્ધ આરોપને ફગાવ્યા હતા અને ગુનો કબૂલ નહી હોવાની સાફ પ્લી કોર્ટ સમક્ષ રેકર્ડ કરાવી હતી. જેને કોર્ટે નોંધી હતી. આ કેસની વધુ સુનાવણી હવે તા.૧૭મી માર્ચે હાથ ધરાશે.  આગામી તબક્કામાં હવે આરોપીઓ વિરૂધ્ધ ચાર્જફ્રેમની કાર્યવાહી હાથ ધરાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી જય શાહ દ્વારા કરાયેલી અરજીમાં આક્ષેપ કરતાં જણાવાયું હતું કે, પ્રતિવાદી આરોપીપક્ષે તેમના ન્યુઝ પોર્ટલ પર ફરિયાદી અને તેમની સાથે જોડાયેલા અન્ય મહાનુભાવોની છબી ખરડાય તે પ્રકારે બિલકુલ ખોટી હકીકતો સાથેનો આર્ટિકલ પ્રસિધ્ધ કર્યો છે. એક જ વર્ષમાં કરોડો રૂપિયાના ટર્નઓવર વધી જવાની બાબતે જય શાહની કંપનીઓ અને તેમની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ અને શંકા આર્ટિકલમાં ઉઠાવાયા હતા. એટલું જ નહી, પોર્ટલના જવાબદારો દ્વારા ફરિયાદીને મોડી રાત્રે મેઇલ અને ફોન કરી જવાબ માંગવામાં આવે છે અને જો નિયત સમયમાં જવાબ ન અપાય તો લેખ છાપી કાઢવાની ધમકી અપાઇ હતી. એટલું જ નહી, પ્રતિવાદીઓએ મૂળ આર્ટિકલ પબ્લીશ કર્યા બાદ ફરિયાદીએ તેની સામે વાંધો લેતાં અને કાનૂની કાર્યવાહી કરવાની વાત કરતાં પોર્ટલના જવાબદારોએ રાતોરાત લેખ પણ બદલી કાઢયો હતો.       ફરિયાદમાં રજૂઆત કરાઇ હતી કે, ન્યુઝ પોર્ટલના આર્ટિકલમાં જય શાહની ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પ્રા.લિ કંપની અને તેના બીઝનેસમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ અણધાર્યો ઉછાળો જોવા મળ્યો હોવાની અને કંપનીનું ટર્ન ઓવર એક જ વર્ષમાં રૂ.૫૦ હજારથી રૂ.૮૦ કરોડ સુધી પહોંચ્યુ હોવાની હકીકતો પ્રગટ કરવામાં આવી હતી. આરોપીપક્ષ દ્વારા ફરિયાદપક્ષનો જવાબ પૂરો છાપવાને બદલે અધૂરી અને ગેરમાર્ગે દોરતી હકીકતો લેખમાં પ્રગટ કરી અરજદારની બદનામી કરી છે અને સમાજમાં તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. આ સંજોગોમાં આરોપીઓ વિરૂધ્ધ સંબંધિત કલમો હેઠળ ટ્રાયલ ચલાવી સખત નશ્યત કરવામાં આવે અને સીઆરપીસીની કલમ-૩૫૭ હેઠળ યોગ્ય હુકમ કરવામાં આવે એવી અદાલત સમક્ષ દાદ માંગવામાં આવી હતી.

(8:10 pm IST)