Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

પતિ નોકરીએ ગયો હતો તે દરમિયાન પરિણિતાનું મોત

ઓઢવમાં પરિણિતાના રહસ્યમય મૃત્યુથી ચકચાર : ગળેફાંસો ખાધો હોય તેવા કોઇ પુરાવાઓ પણ નહી મળતાં પોલીસ મૂંઝવણમાં : ગળા પર નિશાન જણાતાં ઉંડી તપાસ

અમદાવાદ,તા. ૩ :      શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહત પાસેની એક સોસાયટીમાં રહેતા ટ્રાફિક બ્રિગેડના જવાનના મકાનમાં ભાડેથી રહેતી એક પરિણિતાની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પરિણિતાના મોતને લઇ સ્થાનિક રહીશોમાં અનેક અટકળો અને તર્ક-વિતર્કો વહેતા થયા હતા. પોલીસ તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, પરિણિતાનો પતિ નોકરી ગયો હતો અને તેનો નાનો પુત્ર સ્કૂલે ગયો હતો એ દરમ્યાન તેનું મોત થયું છે, તેથી પોલીસે આ પ્રકરણમાં મોતનું સાચુ કારણ શોધવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

         આ બનાવની વિગતો એવી છે કે, ઓઢવ વિસ્તારમાં રબારી વસાહત પાસે આવેલી રણછોડ પાર્ક સોસાયટીમાં ૩૩ નંબરના મકાનમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતાં ગીરીશભાઇ પરસોત્તમભાઇ પરમાર રહે છે. તેમણે એક વર્ષ પહેલાં બનાસકાંઠા જિલ્લામાં રહેતા અને કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા ભરતભાઇ પરમારને મકાન ભાડે આપ્યું હતું. ભરતભાઇ તેમની ૩૦ વર્ષીય પત્ની દુર્ગાબહેન અને પાંચ વર્ષના પુત્ર સાહિલ સાથે આ મકાનમાં રહે છે. ગઇકાલે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ ભરતભાઇ પોતાના પુત્ર સાહિલને સ્કૂલે મૂકી તેમની સાઇટ પર નોકરીએ ગયા હતા ત્યારે દુર્ગાબહેન ઘરમાં એકલા હતા. એ દરમ્યાન શું થયું તે ઘટનાક્રમ પોલીસ માટે પણ હજુ રહસ્ય છે.  દરમ્યાન સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ દુર્ગાબહેન સાહિલને સ્કૂલમાં લેવા નહી જતાં સ્કૂલના સંચાલકોએ ભરતભાઇને ફોન કરીને જાણ કરી હતી. જેથી ભરતભાઇએ દુર્ગાબહેનને ફોન કર્યો હતો પરંતુ દુર્ગાબહેને ફોન નહી ઉપાડતાં ભરતભાઇએ તેમના મસિયાઇ બહેનને ફોન કરીને સાહિલને સ્કૂલમાંથી લઇ આવવા જણાવ્યું હતું. મસિયાઇ  બહેન સાહિલને સ્કૂલેથી લઇ આવી ઘેર પહોંચ્યા હતા અને આવીને જોયું તો, દુર્ગાબહેન પલંગ પર પડયા હતા. એ જ સમયે ગીરીશભાઇના પત્ની ઉષાબહેન જે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે, તેઓ પણ સાહિલને ટયુશનમાં જવાનું હોવાથી તેને લેવા માટે ઉપરના માળે ગયા હતા. બંનેએ દુર્ગાબહેનને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ દુર્ગાબહેન ઉઠયા ન હતા, તેથી આડોશપાડોશના લોકો પણ ત્યાં સુધીમાં એકઠા થઇ ગયા હતા. બધાએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી દુર્ગાબહેનને સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા, જયાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જો કે, દુર્ગાબહેનના ગળામાં ચાબખાના ઇજાના નિસાન જણાંતાં ડોકટરોએ ઓઢવ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલામાં તપાસ હાથ ધરી હતી. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં કોઇ એવી વાત સામે આવી ન હતી કે, જેના પરથી દુર્ગાબહેનનું મોતનું કારણ સ્પષ્ટ થઇ શકે, તેથી પોલીસ પણ મંૂઝવાઇ છે. જો કે, પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ દુર્ગાબહેનનું મોત શંકાસ્પદ લાગી રહ્યું છે. પોલીસના માનવા પ્રમાણે, તેમને ઘરમાંથી દુર્ગાબહેને ગળે ફાંસો ખાધો હોય તેવો કોઇ પુરાવો પણ મળ્યો નથી. મકાનમાંથી દોરી, દુપટ્ટો કે અન્ય કોઇ ચીજવસ્તુ એવી રીતે નથી મળી આવી કે, જેના પરથી સ્પષ્ટ થતું હોય કે, દુર્ગાબહેને ગળે ફાંસો ખાધો હોય. તેથી પોલીસે હાલ તો આ બનાવ મામલે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે પરંતુ મોતનું સાચુ કારણ જાણવાની દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ જારી રાખી છે. દુર્ગાબહેનની લાશના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે તેવું પણ પોલીસ માની રહી છે.

(8:09 pm IST)