Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

વેપારીના બંગલામાંથી ૨૦ લાખની મત્તાની થયેલ ચોરી

સેટેલાઇટના અશ્વમેઘ બંગલોઝમાં તસ્કરો ત્રાટકયા : વેપારીનો પરિવાર ઉપરના માળે સૂતો હતો ત્યારે તસ્કરો ૧૨.૫૦ લાખ રોકડા, સોના ચાંદીના દાગીના લઇ ફરાર

અમદાવાદ,તા. ૩ : શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા અશ્વમેઘ બંગલોમાં વિભાગ-૩માં રહેતા એક વેપારીના ત્યાં ગઇ મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને વેપારીના ઘરમાંથી રૂ.૧૨.૫૦ લાખ રોકડા, સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ.૨૦ લાખનો મુદ્દામાલ ચોરી નાસી છૂટયા હતા. સેટેલાઇટ જેવા પોશ એરિયામાં તસ્કરોએ આટલો મોટો હાથ સાફ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે સેટેલાઇટ પોલીસે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના સેટેલાઇટ વિસ્તારમાં બિલેશ્વર મહાદેવ પાસે આવેલા અશ્વમેઘ બંગલોઝના વિભાગ-૩માં બંગલા નં-૭માં શરદચંદ્ર રામચંદ્ર શાહ(ઉ.વ.૭૨) તેમના પરિવાર સાથે રહે છે. ગઇ મોડી રાત્રે શરદચંદ્રનો પુત્ર અને તેમના પરિવારના સભ્યો જમીને ઉપરના માળે સૂઇ ગયા હતા ત્યારે બીજીબાજુ, કેટલાક અજાણ્યા શખ્સો રાત્રિના અંધારાનો લાભ લિ ડ્રોઇંગ રૂમની બારી ગ્રીલ તોડી બંગલામાં પ્રવેશ્યા હતા અને નીચેના માળે રૂમમાં આવેલી તિજોરી તોડી તેમાંથી રૂ.૧૨.૫૦ લાખ રોકડા, સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૨૦ લાખનો મુદ્દામાલ ચોરી ત્યાંથી પલાયન થઇ ગયા હતા. વહેલી સવારે છ વાગ્યા જયારે પરિવારના સભ્યો જાગીને નીચે આવ્યા ત્યારે ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી.

અશ્વમેઘ બંગલોમાં ચોરી થઇ હોવાના સમાચાર પ્રસરતાં સ્થાનિક રહીશો અને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, બનાવની જાણ થતાં સેટેલાઇટ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે સોસાયટી અને આ વિસ્તારના સીસીટીવી ફુટેજના આધારે પણ તપાસ હાથ ધરી છે. તો, સાથે સાથે આડોશપાડોશ અને સ્થાનિકોના નિવેદનો લઇ બનાવ સંબંધી જરૂરી માહિતી એકત્ર કરી ગુનાનો ભેદ ઉકેલવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે વેપારી શરદચંદ્ર શાહની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ જરૂરી ગુનો દાખલ કરી તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

(7:22 pm IST)