Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

એટીએમાંથી લાખોની રકમ ચોરી કરનારો આરોપી ઝબ્બે

આરોપી કેશ સાથે સંબંધિત કંપનીનો કર્મચારી : આરોપી બેંકનો પાસવર્ડ જાણતો હોઇ પૈસા મૂકતી વખતે ટુકડે ટુકડે પૈસા ચોરી લેતો હતો, ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો

અમદાવાદ,તા. ૩ : બેંકના એટીએમમાં કેશ જમા કરનાર કર્મચારી દ્વારા જ પાસવર્ડના આધારે એટીએમ મશીનમાંથી લાખો રૂપિયાની ચોરી કરવાના ચકચારભર્યા પ્રકરણમાં શહેર ક્રાઇમબ્રાંચે આરોપી પ્રદીપ ઉર્ફે રાહુલ મહેન્દ્રસિંહ રાજપૂતની ધરપકડ કરી લીધી હતી અને ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, આરોપી એચડીએફસી બેકમાં એટીએમમાં પૈસા ભરવાનો કોન્ટ્રાકટ ધરાવતી કંપની રાઇટર્સ સેફ ગાર્ડ કંપનીમાં સીઆઇટી એટીએમ ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. આરોપીએ બેંકનો પાસવર્ડ જાણતો હોવાનો ફાયદો ઉઠાવી બોપલ, ખાત્રજ, વિજય ચાર રસ્તા, એસજી હાઇવે સહિતના જુદા જુદા એટીએમમાં પૈસા મૂકતી વખતે અમુક નોટો કાઢી લઇ ટુકડે ટુકડે છ લાખથી વધુ રૂપિયાની રકમ સિફતતાપૂર્વક સેરવી લીધી હતી.

   ક્રાઇમબ્રાંચની તપાસમાં એ પણ ખુલાસો સામે આવ્યો હતો કે, આરોપીએ એટીએમ મશીનમાંથી ચોરેલી રકમ મારફતે એક જાયલો ગાડી, ઓટોરીક્ષા, સોનાના દાગીના ખરીદયા હતા અને પોતાના ઘરનું સમારકામ કરાવ્યું હતું.

ક્રાઇમબ્રાંચે આરોપી પ્રદીપ ઉર્ફે રાહુલ મહેન્દ્રસિંહ રાજપૂતને આજે વટવા બીબી તળાવ પાસેથી શંકાના આધારે ઝડપ્યો હતો અને તેની પૂછપરછ કરતાં સમગ્ર ગુનાહિત કૃત્યનો પર્દાફાશ થયો હતો. આરોપી હાલ વટવા વિસ્તારના વાંદરવટ તળાવ નજીક ઇન્દિરાનગર ખાતે રહે છે, જયારે તેનું મૂળ વતન ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના દેવમઇ પોસ્ટના ડારી ગામ છે.

   પોલીસે આરોપીની મોડેસ ઓપરેન્ડીનો પણ પર્દાફાશ કર્યો હતો કે, આરોપી એટીએમમાં પૈેસા જમા કરતી વખતે રૂ.૨૦૦૦ની ૧૦૦ નોટોના બંડલમાંથી રૂ.બે લાખ કાઢી લેતો હતો અને તેના બદલે રૂ.૧૦૦ની નોટોનું ૧૦૦નું બંડલ મૂકી દેતો હતો. જો કે, આરોપીની ચાલ ક્રાઇમબ્રાંચે ઉંધી વાળી દીધી હતી અને ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.

(7:21 pm IST)