Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ગાંધીનગરના પેથાપુરમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ 2.71 લાખની મતાનો હાથફેરો કર્યો

ગાંધીનગર :શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે ત્યારે હવે દિવસે પણ તસ્કરો ઘરફોડ ચોરી કરવામાં સફળ થઈ રહયા છે. શહેર નજીક પેથાપુરમાં દિવસ દરમ્યાન બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ર.૭૧ લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. આ ઘટના સંદર્ભે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ઘરફોડ ચોરીમાં ઉત્તરોતર વધારો થઈ રહયો છે. શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારો પણ તસ્કરો માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયા છે. ન્યુ ગાંધીનગરમાં આવેલી વસાહતોમાં અવારનવાર રાત્રીના સમયે ઘરફોડ ચોરીની ફરિયાદો ઉઠવા પામી છે. હજુ સુધી આ ચોરીઓ કરનાર એકપણ આરોપીઓે પકડાયા નથી ત્યારે દિવસ દરમ્યાન ઘરફોડ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. શહેર નજીક આવેલા પેથાપુરમાં શુભમ્ સોસાયટીમાં મકાન નં.૧૬ ખાતે રહેતાં ગેબરચંદ વાલાજી દરજી તેમનું મકાન બંધ કરીને સવારના સમયે કામ ઉપર ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના પાછળના ભાગે બારીની ગ્રીલના સળીયા કાપી અંદર પ્રવેશેલા તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ર.૭૧ લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. ઘરે પહોંચેલા ગેબરભાઈને આ ચોરીની ઘટના અંગે જાણ થતાં પેથાપુર પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી હતી.

(5:21 pm IST)