Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ઠાસરાના રાણિયામાં ભેખડ ઘસી પડતા બે મજૂરોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યા

નડિયાદ:ઠાસરા નજીકના એક ગામે કોતરની અંદર ભેખડ ધસી પડતા ત્રણ  લોકો દટાયા હતા.  જેમાં બે મજૂરોના ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે લોકોને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બાદ સ્થાનિક પોલીસ અધિકારી સહિત મામલતદાર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જ્યારે આ ખનન ગેરકાયદેસર રીતે કરવામાં આવતું હતુ કે કાયદેસર રીતે તે દિશામાં તંત્રએ તપાસ આરંભી છે.ઠાસરા તાલુકાના રાણીયા ગામેથી પસાર થતી મહિસાગર નદીના કોતરમાં છેલ્લા કેટલાય સમયથી ખનન કરવામાં આવતું હતું.
આજે બપોરે અહીંયા કેટલાક મજૂરો દ્વારા ટ્રેક્ટર અને જેસીબી દ્વારા ખનન કરવામાં આવી રહ્યુ હતું. ત્યારે એકાએક રેતીના ઢગ ભરેલી ભેખડ જમીન ઉપર ધસી પડી હતી. આ ઘટનામાં ત્યાં કામ કરી રહેલા ચાર  જેટલા મજૂરો આ ભેખડ નીચે આવી જતાં દટાયા હતા. આથી આ તમામને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દટાયેલા ચારેય લોકોને રેતીની ભેખડમાંથી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ગોપાલસિંહ  ઉર્ફે  જાલમસિંહ રંગતસિંહ ચૌહાણ (ઉં.વ.૨૭, રહે.રાણીયા) અને મહીપતસિંહ કિરીટસિંહ ૫રમાર (ઉં.વ.૧૯, રહે.રાણીયા)ને ગંભીર ઈજાઓ પહોંચવાથી મોતને ભેટયા હતા. જ્યારે સંજય ઉર્ફે માનસિંહ  ખુમાનસિંહ પરમાર (ઉં.વ.૧૯) અને કિરીટ હિંમતસિંહ પરમાર ગંભીર રીતે ઘવાતા તેને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ બનાવ બાદ ડાકોર પોલીસ સહિત ઠાસરા મામલતદાર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જ્યાં આ ખનન કાયદેસરનું ચાલે છે કે ગેરકાયદેસર તે દિશામાં તપાસ આરંભી છે. ઉપરાંત આ ખનન ચલાવનાર ઈસમને ખાણ ખનીજ તરફથી પરવાનો અપાયો  છે કે કેમ તે દિશામાં પણ તંત્રએ તપાસ આદરી છે.

(5:18 pm IST)