News of Saturday, 3rd February 2018

નિષ્ઠા, સંવેદના અને જવાબદારી સાથે બજાવેલ ફરજનો સંતોષ અનેરો મળેઃ સચિવ અશ્વિનીકુમાર

માહિતી વિભાગ દ્વારા કાર્ય સમીક્ષા પ્રસંગે પ્રેરક વકતવ્યોઃ માહિતી ખાતાની કામગીરીમાં સેવા કર્યાનો સંતોષ મળેઃ એન.બી.ઉપાધ્યાય

ગાંધીનગર તા. ૩ : સરકાર અને નાગરિકો વચ્ચે મહત્વની સેતુરૂપ ભૂમિકા અદા કરતા રાજય સરકારના માહિતી વિભાગના જિલ્લાના અને વડી કચેરીના અધિકારીશ્રીઓની મહત્વપૂર્ણ બેઠક સરકીટ હાઉસ, ગાંધીનગર ખાતે સંપન્ન થઇ હતી.

 

મુખ્યમંત્રીના સચિવ અને માહિતી-પ્રસારણ વિભાગના સચિવ શ્રી અશ્વિનીકુમારે માહિતી કર્મીઓને જણાવ્યું હતું કે, નિષ્ઠાપૂર્વક, સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક બજાવેલી ફરજનો સંતોષ અનેરો હોય છે. માહિતી ખાતાની કામગીરી વિશિષ્ટ પ્રકારની છે. માહિતી ખાતાની પ્રચાર-પ્રસારની કામગીરીના પરિણામે અન્ય વિભાગ-કચેરીની જનહિતલક્ષી કામગીરી પ્રકાશમાં આવતી હોય છે અને રાજયના નાગરિકો સુધી વિશ્વસનીય જાણકારી સુચારું રીતે પહોંચી શકતી હોય છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, બદલાતા સમય અને બદલાતી ટેકનોલોજીની પરિભાષા, વિવિધ પ્રસાર માધ્યમોની સાથે નવો અભિગમ, દ્રષ્ટિકોણ અને યોગ્ય સંકલન સાથે માહિતી કર્મચારીઓએ રાજય સરકારની છબી ઉજાગર કરવાની હોય છે.

માહિતી નિયામકશ્રી નલીનભાઇ ઉપાધ્યાયે જણાવ્યું કે ખાતાની કામગીરી સંવેદનશીલ છે, કયારેક તાકીદની રીતે પ્રેસ કવરેજ અને અન્ય કાર્યક્રમોમાં જઇને અસરકારક કામગીરી કરવાની થતી હોય છે. મહાનગરોથી લઇને છેક છેવાડાના માનવી સુધી રાજય સરકારની કલ્યાણ યોજનાઓની જાણકારી પહોંચાડીને આપણે સેવા કર્યાના સંતોષ અનુભવવાનો છે એમ તેમણે વધુમાં કહ્યું હતું.

ગુજરાતના જાણીતા યુવા વકતા અને કોલમિસ્ટ શ્રી જય વસાવડાએ પ્રેરણાદાયી વકતવ્યમાં જણાવ્યું હતું કે, આપણે બધા સહધર્મી શબ્દસેવીઓ છીએ. આ ડિજિટલ રિવોલ્યુશનના સમયમાં આપણી સામે અનેક પડકારો જણાય, પણ આનંદ અને નિષ્ઠા સાથે કામગીરી બજાવીએ તો તે જરૂર ઉગી નીકળે છે. સોશિયલ મીડિયાનો પ્રભાવ ખૂબ પ્રસર્યો છે તે સમયે પત્રકારત્વની આપણી ભૂમિકા એવી રીતે અદા કરીએ જેથી એના મૂલ્ય-મહત્તા બંને જળવાઇ રહે. માહિતી ખાતાનું કામ 'મધુરમ' સમાન છે. તમે જે માહિતીનો પ્રસાર કરો છો તેની ઉપયોગિતા અનેક રીતે મહત્વની બની રહે છે. કાર્યની સાથે આનંદ અનુભવીએ, અંદરની પ્રસન્નતા સાથે ફરજ બજાવીએ તો એની હકારાત્મક અસર પરસ્પર અનુભવી શકાતી હોય છે.

શ્રી જય વસાવડાએ અનેક પ્રસંગો, અનુભવો અને વૈશ્વિક મહાનુભાવોના ઉદાહરણો સાથે કાર્ય અને આનંદને જોડીને પ્રેરક વિચારો રજૂ કર્યા હતા. બેઠકના પ્રારંભે સંયુકત માહિતી નિયામકશ્રી અને ગુજરાત પ્રેસ અકાદમીના સચિવશ્રી પુલક ત્રિવેદીએ  સર્વે માહિતી અધિકારીઓને આવકારી ખાતાની વિવિધ કામગીરીઓ વધારે સુચારુ રીતે કઇ રીતે કરી શકાય એની ભૂમિકા બાંધી હતી. અધિક માહિતી નિયામક શ્રી અરવિંદભાઇ પટેલે ખાતાની રોજબરોજની માહિતી-પ્રસારણની કામગીરી વિશે સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં રાજયભરના માહિતી અધિકારીઓ રાજય સરકારની છબી, વધુ અસરકારી રીતે ઉજાગર કરવા હાજર રહી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.(૨૧.૧૭)

(12:06 pm IST)
  • U19 ક્રિકેટ વર્લ્ડકપ જીતવા બદલ ટીમ ઈન્ડીયા ને અને ખાસકરીને ભાવનગરના પનોતા પુત્ર હાર્વિક દેસાઈને ટ્વીટ કરીને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી access_time 3:56 pm IST

  • યુપીઃ જીએસટી કમિશ્નરની લાંચ કેસમાં ધરપકડઃ જીએસટી કમિશ્નર સંસાર સિંહ, જીએસટી કમિશ્નર ઓફિસના ૩ કર્મચારી સહિત કુલ ૯ની ધરપકડ access_time 3:33 pm IST

  • કાલનો બૂથ ઉપરનો મતદાર યાદી કાર્યક્રમ કેન્સલ કરતું ચૂંટણી પંચ હવે ૧૧ મીના રવિવારે ખાસ ઝૂંબેશઃ આવતીકાલનો બૂથ ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-ગ્રામ પંચાયત ચૂંટણી સંદર્ભે કેન્સલઃ હવે ૧૧ મીએ રાજકોટ શહેર-જીલ્લાના ર૧પ૮ મતદાન મથકો ઉપર સવારે ૧૦ થી સાંજે ૬ સુધી બીએલઓ દ્વારા ફોર્મ અપાશેઃ સ્વીકારાશેઃ આજ સુધીમાં ૧ર હજાર જેટલા નવા ફોર્મ ભરાયા access_time 12:01 pm IST