Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

'હું હિંદુ મુસ્લિમની વાત કરું અને ઉર્દુ શબ્દ બોલું તો મારી ટીકા. હિંદુત્વના પ્રહરી મસ્જિદમાં જાય તો કોઈ બોલતું નથી

મોરારી બાપુનું વ્યાસપીઠ પરથી ચોંકાવનારું નિવેદન: નામ લીધા વિના હિંદુત્વના પ્રહરીનું ઉદાહરણ આપતા પ્રહાર કર્યા

અમદાવાદ લ જાણીતા કથાકાર મોરારીબાપુનું હવે વ્યાસપીઠ પરથી તેઓનું વધુ એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. મોરારી બાપુએ કોઇ પણનું નામ લીધા વિના હિંદુત્વના પ્રહરીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, 'હું હિંદુ મુસ્લિમની વાત કરું તો મારી આકરી ટીકા કરો છો. હું ગઝલમાં ઉર્દુ શબ્દ બોલું તો મારી આકરી ટીકા થાય છે. હિંદુત્વના પ્રહરી મસ્જિદમાં પણ જઈ આવ્યા તો કોઈ બોલી શકતું નથી. હું હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રયત્ન કરું તો કેટલાક લોકો સહન કરી શકતા નથી. મારી ટીકા કરનારા લોકો હિંદુત્વના પ્રહરીના મુદ્દે કેમ બોલી શકતા નથી?'

   અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે પણ અગાઉ ઑલ ઈન્ડિયા મુસ્લિમ ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી સહિત અન્ય મુસ્લિમ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દિલ્હીની કસ્તુરબા ગાંધી માર્ગ પર આવેલી મસ્જિદમાં થઈ હતી. ત્યારે મોરારી બાપુએ કોઇ પણનું નામ લીધા વિના આડકતરી રીતે હિંદુત્વના પ્રહરીનું ઉદાહરણ આપતા કહ્યું કે, 'હું હિંદુ મુસ્લિમની વાત કરું તો મારી આકરી ટીકા કરો છો, હિંદુત્વના પ્રહરી મસ્જિદમાં પણ જઈ આવ્યા તો કોઈ બોલી નથી શકતું.'

અગાઉ પણ કોઈ કથામાં મોરારી બાપુએ નીલકંઠવર્ણી એટલે કે ભગવાન સ્વામિનારાયણ કે જેઓને નીલકંઠવર્ણી કહેવામાં આવે છે તેમને લઇને વિવાદીત નિવેદન કર્યુ હતું. ત્યારે મોરારીબાપુની આ ટિપ્પણીને લઈને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી હતી. તદુપરાંત ભગવાન દ્વારકાધીશને લઇને પણ તેઓએ વિવાદિત ટિપ્પણી આપતા આહીર સમાજ તેમજ સમગ્ર હિંદુ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. આમ, અનેક વખત વિવાદમાં આવી ચૂકેલા મોરારી બાપુએ એકવાર ફરી ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

(12:18 am IST)