Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

મેઘ મહેરથી શિયાળુ પાકના ઢગલા થશે

વધુ વરસાદથી મગફળી, કપાસને નુકશાન પણ જળસંગ્રહ રવિ પાક માટે આશીર્વાદરૂપ :ઘઉં, ચણા, જીરૂ, લસણ, ડુંગળી વગેરેની દિવાળી આસપાસ વાવણીઃ ઉત્પાદન પુષ્કળ થવાના સંજોગો

રાજકોટ, તા., ૨ : ગુજરાતના લગભગ જિલ્લાઓમાં જુન-જુલાઇ-ઓગષ્ટમાં મઘરાજાએ ધબધબાટી બોલાવતા પીવાના પાણીનો આખા આવતા વર્ષનો પ્રશ્ન હલ થઇ ગયો છે. ખેતી માટે પણ સારૂ ચિત્ર છે. ગયા અઠવાડીયાના અતિ ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં કપાસ-મગફળી-તલી જેવા વાવેતરને નુકશાન થયું છે. જો કે તે સિવાય ખેતી માટે સારૂ ચિત્ર છે. છેલ્લા બે દિવસથી વરાપ નિકળતા ખેતીને ફાયદો થશે. ચોમાસામાં વાવવામાં આવતા ખરીફ પાક ઉપરાંત શિયાળામાં વાવવામાં આવતા રવિ પાક માટે ઉજવળ સંજોગોનું નિર્માણ થયું છે.

સૌરાષ્ટ્રમાં શિયાળામાં મુખ્યત્વે ઘઉ અને ચણા ઉપરાંત જીરૂ-ડુંગળી-લસણ વગેરેનું વાવેતર કરવામાં આવે છે. ખરીફ પાક વરસાદ આધારીત હોય છે પરંતુ રવિ પાક માટે સિંચાઇની સુવિધા હોવી જરૂરી છે. આ વર્ષે  રાજયમાં સરેરાશ ૧૨૧ ટકા વરસાદ થઇ ગયો છે. ધરતીમાં ખુબ પાણી ઉતર્યુ છે. બોર-કુવા પાણીથી છલકાઇ રહયા છે. હજુ ચોમાસાનો એકાદ મહીનાનો સમય બાકી છે. ફરી વરસાદ આવવાની ધારણા છે.

શિયાળુ પાક માટે જરૂરી પાણીનો મોટા ભાગના વિસ્તારોમાં સંગ્રહ થઇ ગયો છે. રાજયના કુલ ૨૦૬ પૈકી ૧૧૨ ડેમ આખા ભરાઇ ગયા છે. પાણીની પુરતી વ્યવસ્થાના કારણે ઘઉ, ચણા, જીરૂ વગેરેનો પાક પુષ્કળ પ્રમાણમાં થવાની આશા છે. કોઇ અણધાર્યા પ્રતિકુળ પરીબળનું સર્જન ન થાય તો ચોમાસુ પાકની જેમ શિયાળુ પાક પણ ખેડુતોને રાજી કરી દેશે.શિયાળુ પાકનુ વાવેતર દિવાળી આસપાસ થશે. ઉપરોકત તમામ પાક વાવેતર પછી ૩ થી ૪ મહિને તૈયાર થઇને બજારમાં આવે છે. ૨૦૨૧ના વર્ષના પ્રારંભે બજારો શિયાળુ પાકથી ઉભરાઇ તેવા અત્યારના એંધાણ છે.

(3:38 pm IST)