Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

એસ.ઓ.જી. પોલીસનાં નામે પ્રેમી-પંખીડાનુ અપહરણ ! : પૂત્રની સગાઈ તૂટવાથી નારાજ પિતાએ યુવતી અને તેના પ્રેમીને ઢોર માર માર્યો

યુવતી તથા તેના પ્રેમીને આરોપીઓએ ગાળો ભાંડી લોખંડની પાઈપ ફટકારી ગડદાપાટુનો માર મારતા બંને ગંભિર રીતે ઘવાતા હોસ્‍પિટલમા સારવાર હેઠળ ખસેડવામાં આવ્‍યા

વડોદરા તા.૦૨ : વાપી ખાતે હોટેલમાં રોકાયેલ પ્રેમી પંખીડાનુ અપહરણ કરી ઢોર માર મરાતા બંનેને હોસ્‍પિટલમાં સરવાર હેઠળ ખસેડવામાં આવ્‍યા છે. ત્‍યારે મળતી માહીતી અનુસાર, પ્રેમીકાની થોડા સમય પહેલા જ સગાઈ તૂટી હતી. જેને લઈ પુત્રની સગાઈ તૂટવાના ખારમાં પિતાએ યુવતી અને તેના પ્રેમીનું એસ.ઓ.જી. પોલીસની ઓળખાણ આપી તેમજ ચાકુ બતાવી અપહરણ કર્યુ હતુ. અને કારમાં લઈ જઈ ઢોર માર્યો હતો. જેને લઈ બંને ગંભિર ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્‍યા હતા.

એસી રીપેરીંગનું કામ કરતા ઇજાગ્રત દાઉદ શેખે ફરિયાદ નોંધાવી હતી કે, શહેરના વાડી વિસ્તારમાં રહેતી ઝરીના શેખ (નામ બદલ્યું છે) ની ચાર વર્ષ અગાઉ મચ્છી પીઠ ખાતે રહેતા મારી ફોઈના દીકરા અલમાસ શેખ સાથે સગાઈ થઈ હતી.

અને બે મહિના અગાઉ કોઈક કારણોસર સગાઈ તોડવાની વાત થઈ હતી.

આ દરમિયાન મારી અને ઝરીના શેખ વચ્ચે પ્રેમ સબંધ પાંગરતા વાત લગ્ન સુધી પહોંચી હતી. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, તા. 15 જૂનના રોજ હું અને ઝરીનાએ વાપી રેલવે સ્ટેશન પાસેની હોટલમાં રાત્રી રોકાણ કર્યું હતું. દરમિયાન રાત્રે ત્રણ વાગ્યે કોઈ વ્યક્તિએ દરવાજો ખટખટાવતા મેં દરવાજો ખોલ્યો ન હતો. ત્યારબાદ મોબાઈલ ફોન ઉપર મને કોલ કરી જણાવ્યું હતું કે, એસ.ઓ.જી પોલીસ શાખામાંથી બોલું છું. તને વાપી પોલીસ સ્ટેશન લઈ જઇ વડોદરા પહોંચાડવાનો છે. જેથી મેં દરવાજો ઉઘાડતા સલીમભાઈએ ચાકુની અણીએ મારું તથા ઝરીનાનું કારમાં અપહરણ કરી ગયા હતા.

દાઉદ શેખે ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, કારમાં નદીમ શેખ, જુનેદ શેખ તથા સલીમ શેખ હાજર હતા. જ્યાંથી અમને વડોદરા મચ્છીપીઠ વિસ્તારમાં લાવી યામીર શેખ, જુનેદ શેખ, માજીદ અને નદીમ શેખે મને તથા મારી પ્રેમિકાને અપશબ્દો બોલી લોખંડની પાઇપ ફટકારી ગડદાપાટુનો માર માર્યો હતો. ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે છ શખ્સો વિરુદ્ધ અપહરણ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવે વાડી વિસ્તાર અને મચ્છીપીઠ વિસ્તારમાં ચકચાર જગાવી મુકી છે.

 

 

(8:46 pm IST)