Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર એપીએમસીમાં ગેરકાયદે હોટલ ઉભી કર્યાનો સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોનના પ્રમુખ નિરંજન વસાવાના આક્ષેપથી ખળભળાટ

નર્મદા જીલ્લા સહકારી મંડળીઓના રજીસ્‍ટ્રારને લેખિત રજુઆત

રાજપીપલા: ગરુડેશ્વર .પી.એમ.સી માં બિન કાયદેસર હોટલ ઊભી કરવામાં આવી હોવાનો આક્ષેપ સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોનના પ્રમુખ નિરંજન વસાવાએ લગાવતા ખડભળાટ મચ્યો છે અને બાબતની તપાસની પણ માંગ કરાઈ છે.

નર્મદા જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને કરેલી લેખિત રજુઆતમાં નિરંજન વસાવાએ જણાવ્યું છે કે ખેડૂતલક્ષી માર્કેટ ગરુડેશ્વર માર્કેટ યાર્ડમાં રોયલ નામની મોટી હોટલ ખોલવાની મંજૂરી ક્યાં અધિકારીએ આપી છે, હોટલ ખોલવા સરકાર પાસેથી કેટલી સબસીડી કે ગ્રાન્ટ લીધી છે અને માર્કેટ કમિટીના હોદ્દેદારોએ હોટલવાળા પાસેથી કેટલા રૂપિયા લીધા છે અને કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે તેની તપાસ કરી આવા ભ્રષ્ટાચારીને સજા થવી જોઈએ.ખેડૂતોના માર્કેટમાં ખેડૂત ઉભો કરવાની જગ્યાએ માલેતુંજારોને કમાણી કરાવી આપવાનો ધંધો કર્યો છે.

સરકાર આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ તેમજ દરેક સમાજના ખેડૂતોની સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ ફાળવતી હોય છે.સત્તાનો દૂર ઉપયોગ કરી અધિકારી હોદ્દેદારો ગેરકાયદેસર આવી યોજનાઓ અને ગ્રાન્ટોનો લાભ ઉઠાવી અને સરકારની ગ્રાન્ટનો દૂર ઉપયોગ કરે છે.ગરુડેશ્વર .પી.એમ.સી માં ખેડૂતોની સુવિધા માટે બનાવાયેલ હોલ હોટલ માલિકોને આપી ગેરરીતિ થયાની રજૂઆત પણ ત્યાંના ખેડૂતોએ કરી છે.અમારા ખેડૂતો દ્વારા આવેલ રજૂઆતને ગંભીરતાથી લઈ નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે યોગ્ય પગલાં લેવાય એવી માંગ છે.

કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી, કર્મચારીઓના પગાર માટે આવું કર્યું છે: જયંતિભાઈ તડવી, ચેરમેન ગરુડેશ્વર .પી.એમ.સી

  બાબતે ગરુડેશ્વર .પી.એમ.સી ચેરમેન જયંતિભાઈ તડવીએ જણાવ્યું હતું કે અમે પેહલા, બીજો માળ અને ટેરેસ માસિક 50 હજાર ભાડા પેટે ભાડે આપ્યો છે, કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી.અમારા કર્મચારીઓનો પગાર દર મહિને 50 હજાર થાય છે, કોઈ આવક નહોતી એટલે આવક ઊભી કરી છે, એના ભાડા માંથી પગાર નીકળે છે. અમે દર 2 વર્ષે 7.5 ટકા ભાડામાં વધારો કરવાની પણ શરત છે.

 

(5:44 pm IST)