Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

સાંસદો - મંત્રીઓ - ધારાસભ્‍યોને મફત વિજળી મળે તો સામાન્‍ય જનતાને પણ મળવી જોઇએ : ‘આપ'ની માંગણી

આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ અમદાવાદના નવરંગપુરા, નારણપુરા, ચાંદલોડિયા અને નવા વાડજ, રાણીપ, સુરતના ઓલપાડ, વરાછા અને કરંજ તથા ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, પાટણ, ભરૂચ અને રાજકોટ સાથે ગુજરાતના અન્‍ય શહેરોમાં પદયાત્રા, મશાલયાત્રા, સાયકલયાત્રા અને ટોર્ચયાત્રાનું આયોજન કર્યું

રાજકોટ તા. ૨ : આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન સતત આગળ વધી રહ્યું છે અને આ ફ્રી વીજળી આંદોલનમાં ગુજરાતની જનતાની ભાગીદારી વધી રહી છે. ગુજરાતમાં ભાજપ સરકાર અને વીજ કંપનીઓની મિલીભગતને કારણે ગુજરાતની જનતાને સૌથી મોંઘી વીજળી ખરીદવી પડે છે. ભાજપનો આ ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની જનતા સમક્ષ ઉજાગર કરવામાં આવ્‍યો છે, જેના કારણે ગુજરાતની જનતા જાગૃત થઈ રહી છે અને આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલનમાં જોડાઈ રહી છે.
આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ અમદાવાદના નવરંગપુરા, નારણપુરા, ચાંદલોડિયા અને નવા વાડજ, રાણીપ, સુરતના ઓલપાડ, વરાછા અને કરંજ, તથા ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, પાટણ, ભરૂચ અને રાજકોટ સાથે ગુજરાતના અન્‍ય શહેરોમાં પદયાત્રા, મશાલ યાત્રા, સાયકલ યાત્રા અને ટોર્ચ યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં દરેક શહેર થી હજારો-લાખો લોકો જોડાયા. આમ આદમી પાર્ટીની સર્વપ્રથમ પ્રાથમિકતા જનતા ના અધિકારો છે. જેના માટે આમ આદમી પાર્ટી હંમેશા સક્રિય રહેશે. ફ્રી વીજળી જનતાનો અધિકાર છે તે વાત હવે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલન દ્વારા સમજી ગઈ છે.
દિલ્‍હીમાં છેલ્લા ૭ વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે અને ત્‍યાં દિલ્‍હીની જનતાને ૨૦૦ યુનિટ મફત વીજળી આપવામાં આવી રહી છે અને પંજાબમાં પણ આમ આદમી પાર્ટી ની સરકાર આજથી પંજાબના લોકોને ૩૦૦ યુનિટ મફત વીજળી આપવા જઈ રહી છે. બીજી તરફ ૨૭ વર્ષ સુધી ભાજપ સરકાર એ શાસન કર્યા બાદ પણ ગુજરાતની જનતાને દેશમાં સૌથી મોંઘી વીજળી આપવામાં આવી રહી છે. દિલ્‍હી અને પંજાબ માં મફત વીજળી આપી શકાતી હોય તો ગુજરાતની ટેક્‍સ ભરતી જનતાને વીજળી ફ્રી કેમ નહીં? ૨૭ વર્ષમાં ભાજપે ગુજરાતની જનતાને સુવિધાના નામે જનતાની આંખમાં ધૂળ ઝોંકી છે.
આમ આદમી પાર્ટીનું માનવું છે કે જો દેશમાં ધારાસભ્‍યો, સાંસદો અને મંત્રીઓને મફત વીજળી આપી શકાતી હોય તો જનતાને પણ મફત વીજળી મળવી જોઈએ. તેવી જ રીતે ગુજરાતમાં પણ સારું શિક્ષણ, સારી આરોગ્‍ય વ્‍યવસ્‍થા અને ભ્રષ્ટાચાર મુક્‍ત શાસન હોવું જોઈએ. અમે લોકોને ખાતરી આપી છે કે આગામી વિધાનસભાની ચૂંટણી જીતીને આમ આદમી પાર્ટી દિલ્‍હીની જેમ ગુજરાતની જનતાને મફત વીજળી, સારું શિક્ષણ, સારી આરોગ્‍ય વ્‍યવસ્‍થા અને ભ્રષ્ટાચાર મુક્‍ત શાસન આપશે.

 

(1:03 pm IST)