Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

રાજકોટની ૬ સહિત ગુજરાતની ૪૧ પેઢીઓ ઉપર સ્‍ટેટ GSTના દરોડા : બોગસ બીલો સંદર્ભે તપાસનો ધમધમાટ

કુલ ૫૬ સ્‍થળે તપાસણી : સુરત-પાટણ-વાપી-મહેસાણામાં ટીમો દોડી ગઇ : ગઇકાલે મોડી સાંજથી ઓપરેશન : અમદાવાદ-વડોદરા-જામનગર-ભાવનગર-દ્વારકા-જુનાગઢ-ગાંધીધામમાં ટીમો ત્રાટકી

રાજકોટ તા. ૨ : બોગસ બીલો બનાવીને વેરાશાખ ભોગવતા વેપારીઓ પર સ્‍ટેટ જીએસટી વિભાગ દ્વારા ગઇકાલ સાંજથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરાના એક સહીત કુલ ૪૧ વેપારીઓને ત્‍યાં ૫૬ સ્‍થળોએ એસજીએસટીની ટીમોએ દરોડા પાડયા છે. મોટી કાર્યવાહીના પગલે કરચોરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
રાજકોટની પ પેઢી ઉપર દરોડા પડાયાનું અધીકારીઓએ ઉમેર્યુ હતુ. વેપારીઓ બોગસ બીલો બનાવીને ખોટી વેરાશાખ મેળવીને સરકારી તિજોરીને નાણાકિય નુકશાન પહોંચાડતા હોવાનું ધ્‍યાને આવ્‍યું હતું. જેને કારણે આવા તત્‍વોને ડામવા માટે તંત્ર એકશનમાં આવ્‍યુ છે.
વિભાગ દ્વારા ઉંડાણપૂર્વક સંશોધન તથા મેળવેલ વિગતોના આધારે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરાના એક સહિત ૪૧ વેપારીઓને ત્‍યાં સ્‍ટેટ જીએસટીની ટીમો ત્રાટકી છે. આટલી મોટી કાર્યવાહીને પગલે કરચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
સુત્રોના જણાવ્‍યા અનુસાર અત્‍યાર સુધી વિભાગ દ્વારા બોગસ બિલીંગના ગુનામાં ૯૦ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. વિભાગની આટલી મોટી કાર્યવાહી છતાં બોગસ બિલ બનાવનારાઓની સંખ્‍યામાં ઘટાડો જોવા મળતો નથી.સુત્રોએ ઉમેર્યુ છે કે જે વેપારીઓને ત્‍યાં દરોડા પાડવામાં આવ્‍યા છે, તેઓ દ્વારા બોગસ બિલો બનાવીને મોટી કરચોરી કરી હોવાનું વિભાગના ધ્‍યાને આવ્‍યું છે. જેને પગલે તપાસના અંતે મોટી કરચોરી પકડાય તેવી શકયતા છે.જેમને ત્‍યાં દરોડા પડાયા તેમાં અમદાવાદના દેવવ્રત ઇન્‍ડસ્‍ટ્રીઝ, હેલી એન્‍ટરપ્રાઇઝ, મીલી એન્‍ટરપ્રાઇઝ, ઓમ સ્‍ટીલ, શ્રી ભૈરવનાથ સ્‍ક્રેપ ઇન્‍ડસ્‍ટ્રીઝ, શ્રી ક્રિષ્‍ણા ટ્રેડીંગ, દાદુરામ મેટલ્‍સ, મેટ્રો સ્‍ટીલ, સન કાસ્‍ટીંગ ઇન્‍ડસ્‍ટ્રીઝ, ભાવનગરમાં એકોસ્‍ટ ઇમ્‍પેકટસમાં, મહેસાણાની ત્રણ પેઢી પ્રમોસા સ્‍ટેનલેસ, સંગીતાની કેમીકલ્‍સ, પીકેએસ નેકનોબીલ્‍ડ, બનાસકાંઠામાં ઠકકર હરેશકુમાર હીરાલાલ, પાટણમાં જય ટ્રેડર્સ, ઉમા સ્‍ક્રેપ, વડોદરામાં શ્રી કલ્‍યાણ કોર્પોરેશન, સુરતમાં કરીમ ટ્રેડર્સ, અભ્‍યુથાન ગ્રામ વિકાસ મંડલ, નકલંક ફેશન, વાપીમાં સ્‍ટાર કુપરમાં દરોડા પડાયા છે.આ ઉપરાંત ભાવનગરની અન્‍ય ૮ પેઢીમાં સિધ્‍ધાર્થ બોન્‍ઝ, સાનીયા ટ્રેડર્સ, રૂશીલ ગ્‍લોબ, જે. આર. ઇસ્‍પાત, ગુજરાત ઓઇલ એન્‍ડ કેમીકલ, એ. એમ. ઇસ્‍પાત, યામાસ ઇમ્‍પેક્ષ, હેમા ટ્રેડમાર્કનો સમાવેશ થાય છે.રાજકોટની ૬ પેઢીમાં તપાસ હાથ ધરાઇ છે. જેમાં નાઇસ એન્‍ડ ન્‍યુ એબ્રેસીવ ઇન્‍ડસ્‍ટ્રીઝ, શ્રીરામ કોટેક્ષ ઇન્‍ડસ્‍ટ્રીઝ, સ્‍ટેફી ઇન્‍ડસ્‍ટ્રીઝ, ડી.એચ.એમ. ઇન્‍ટરનેશનલ, જોલી સ્‍પીનર્સ, ડી. કે. એન્‍ટરપ્રાઇઝ, જામનગરમાં લાઇ મેટલ્‍સ અને ધ્રુવ એન્‍ટરપ્રાઇઝ, દ્વારકાની વૈભવ ઇન્‍ડસ્‍ટ્રીઝ, જુનાગઢની મીરા પોલીમર્સ તથા ગાંધીધામની મીલી એન્‍ટરપ્રાઇઝ અને હિન્‍દુસ્‍તાન એનર્જીને ત્‍યાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
 

 

(12:21 pm IST)