Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં145મી રથયાત્રા થઇ સંપન્ન : ત્રણેય રથ નીજ મંદિરમાં પરત:પરિસર જયઘોષથી ગૂંજી ઊઠ્યું

ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના દર્શન માટે લાખોની જનમેદની ઉમટી

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.છેલ્લા 2 વર્ષથી કોરોનાગ્રહણના કારણે અમદાવાદવાસીઓ જગતના નાથની નગરચર્ચા જોઈ શક્યા ન હતા, ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના દર્શન માટે લાખોની જનમેદની ઉમટી હતી.

ભગવાનની રથયાત્રામાં આ વર્ષે અમીછાંટણા થયા હતા. ત્યારે આ વર્ષે 145મી રથયાત્રામાં અમીછાંટણા થતા ભક્તો ઝૂમી ઉઠ્યા હતા.

સવારે મંગળા આરતી બાદ, પરંપરા મુજબ સીએમ ભૂપેન્દ્રભાઈ  પટેલે પહિંદ વિધી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાનાં દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી.સીએમએ ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

વ્હાલાના વધામણામાં અમદાવાદના રસ્તાઓ પર ભક્તોનું ધોડાપૂર જોવા મળ્યું હતું. મોસાળમાં પણ ભગવાનનું આગમન થતા હરખની હેલી હતી અને હજારોની સંખ્યામાં ભક્કોને પ્રસાદ જમાડી મોસાળવાસીઓએ ધન્યતા અનુભવી હતી. બપોરે મોસાળું થયા બાદ નીજમંદિરે પરત ફરવા માટે રથ રવાના થયા હતા જે તેના પરંપરાગત રૂટ પર થઇ કોઈપણ અનિચ્છનિય બનાવ વિના નિજ મંદીરે પરત ફર્યા હતા.

ત્રણેય રથ તેના નિર્ધારિત સમયે નીજ મંદિરે પરત પહોંચ્યા હતા. પ્રથમ રથ ભગવાન જગન્નાથનો, બીજો બહેન સુભદ્રાનો અને ત્રીજો રથ ભાઈ બલભદ્રનો. હજારોની મેદનીએ રથયાત્રાના દર્શન કર્યા હતા. આ સાથે હજારો લોકોએ ભગવાન જગન્નાથના પ્રસાદને ગ્રહણ કર્યો હતો. જગન્નાથ મંદિરમાં રંગબેરંગી શણગારથી સુશોભિત હતું અને ભવ્યાતિ ભવ્ય રીતે રથયાત્રા સંપન્ન થતાં શ્રદ્ધાળુઓને અનેરો આનંદ થયો હતો

(1:13 am IST)