Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

અમદાવાદ રથયાત્રાઃ આવતા વર્ષે ભગવાનના ત્રણેય રથ બદલાશે :નવા રથથી લોકોને સરળતાથી દર્શન થઇ શકશે

આ વર્ષે અમદાવાદ શહેરની શોભા સમાન જગન્નાથ રથયાત્રાના દરેક કાર્યક્રમ વિધીવત રીતે પૂર્ણ કરાશે :ભક્તજનોને પણ પ્રભુના દર્શનનો લહાવો મળી શકે તેવું આયોજન

અમદાવાદમાં યોજાતી જગન્નાથ રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આવતા વર્ષે ભગવાનના ત્રણેય રથ બદલવામાં આવશે. તેમજ નવા રથનું નિર્માણ કાર્ય આવતા વર્ષે શરૂ કરાશે. આ વર્ષે રથ બનાવવા માટેના લાકડાં લાવી દેવામાં આવ્યા છે. ત્યારે નવા રથ સરળતાથી દર્શન કરી શકાય તે પ્રકારના બનાવાશે. જગન્નાથ પુરીના અનુભવી કારીગરોની પણ પ્રભુના રથના નિર્માણ કાર્યમાં મદદ લેવાશે.

આ સાથે જગન્નાથ રથયાત્રા નિમિત્તે આવતીકાલે રથનું પૂજન કરવામાં આવશે. તેમજ વિધીવત રીતે રથયાત્રાના કાર્યોની શરૂઆત કરવામાં આવશે. તેમજ જળયાત્રા પણ હર્ષોલ્લાસ સાથે આયોજીત કરવામાં આવશે. જોકે અગાઉ કોરોનાકાળને પગલે વધુ સંખ્યા ઉપસ્થિત રાખી શકાઈ ન હતી. પરંતુ આ વર્ષે અમદાવાદ શહેરની શોભા સમાન જગન્નાથ રથયાત્રાના દરેક કાર્યક્રમ વિધીવત રીતે પૂર્ણ કરવામાં આવશે. તેમજ ભક્તજનોને પણ પ્રભુના દર્શનનો લહાવો મળી શકે તેવું આયોજન કરાયું છે.

અખાત્રીજના દિવસે અટલે કે મંગળવારે સવારે 8.30 વાગ્યે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, સાધુ સંતો સેવકો અને લોકોની હાજરીમાં રથનું પૂજન કરવામાં આવશે. વૈદિક મંત્રોચ્ચાર અને વિશિષ્ટ મહાપૂજા સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના એમ ત્રણેય રથનું પૂજન કરાશે. આ રથ પૂજનમાં કોઈ રાજકીય નેતા હાજર રહેશે નહીં. રથ પૂજન બાદ રથનું સમારકામ અને રંગરોગાન સહિતની કામગીરી કરવામાં આવશે. 14 જૂને જળયાત્રા યોજાશે જેમાં રાજ્યના મંત્રીઓ હાજર રહેશે.

   
 
   
(11:06 pm IST)