Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

10મીએ રાહુલ ગાંધી આવશે ગુજરાત:આદિવાસી અધિકાર સત્યાગ્રહની દાહોદથી કરાવશે શરૂઆત

દાહોદ ખાતે આદિવાસી અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમમાં હાજરી આપશે.સભાને સંબોધન કરશે

અમદાવાદ : કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીનો ફરી ગુજરાત મુલાકાત અંગેનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. અગાઉ ગુજરાતના સ્થાપના દિવસે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે   આવનાર હતા જે મોકૂફ રહ્યા બાદ ફરી આયોજન થયું છે. તેઓ આગામી તા. 10મીના રોજ ગુજરાતના દાહોદ ખાતે આદિવાસી અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમમાં હાજરી આપશે.

કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીના આગમનને પગલે કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. જે સત્યાગ્રહ આગામી વિધાનસભાની ચૂંટણી સુધી ચાલુ રહેશે.

મળતી માહિતી અનુસાર આ તકે તેઓ દાહોદ ખાતે તા. 10મીના રોજ યોજાનાર આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. વધૂમા સભાનું સંબોધન કરી કોંગી કાર્યકરોમાં જોમ-જુસ્સો ભરશે. આ આદિવાસી અધિકાર સત્યાગ્રહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ કોંગી આગેવાનો કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારી રહ્યા છે. 

 

(9:57 pm IST)