Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

રાજયના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી માટે વધારાનો જથ્થો મંજૂર: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

ચણાની ખરીદી માટે નોંધાયેલ કુલ ૩,૩૮,૭૭૭ ખેડૂતો પૈકી અત્યાર સુધી ૨,૬૫,૦૨૯ ખેડૂતો પાસેથ ૪,૨૩,૬૭૫ મે.ટન ચણાની ખરીદી કરાઈ : રાજ્યના ખેડૂતો વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય કૃષિમંત્રી અને કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રીનો આભાર માનતા કૃષિ મંત્રી

 

અમદાવાદ :કૃષિ મંત્રી રાઘવજીભાઈ  પટેલે જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાના વધારાના જથ્થાની ખરીદી કરવા માટે રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર ને દરખાસ્ત કરી હતી. તેને કેન્દ્ર સરકારે મંજૂર કરી છે. તે બદલ રાજ્યના ખેડૂતો વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો છે.

કૃષિમંત્રીએ ઉમેર્યુ કે,રાજયમાં ચણાનુ મબલખ ઉત્પાદન થયુ હતુ. તેને ધ્યાને લઇને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ખેડૂતોના હિતમાં વધારાના જથ્થાની ખરીદી કરવા માટે દરખાસ્ત કરી હતી. તેને કેન્દ્ર સરકારે મંજુર કરીને ગુજરાતને આ વધારાના જથ્થાની ફાળવણી કરવામાં આવી છે.   
તેમણે ઉમેર્યુ કે, અગાઉ રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદી માટે ભારત સરકારશ્રીએ ૪,૬૫,૮૧૮ મે. ટન ચણાની ખરીદી માટે મંજૂરી આપેલ. તે પ્રમાણે રાજ્યમાં તા.૦૧/૦૩/૨૨ થી સમગ્ર રાજ્યમાં ખેડૂતો પાસેથી ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવેલ.  ચણાની ખરીદી માટે નોંધાયેલ કુલ ૩,૩૮,૭૭૭ ખેડૂતો પૈકી આજદિન સુધી ૨,૬૫,૦૨૯ ખેડૂતોને તક આપી કુલ ૪,૨૩,૬૭૫ મે.ટન ચણા ની ખરીદી કરવામાં આવેલ છે. જેનો ખેડૂતોમાં ખૂબ જ સાનુકૂળ પ્રતિભાવ જોવા મળ્યો છે અને ખેડૂતો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.
કૃષિમંત્રીએ ઉમેર્યુ કે,રાજ્યમાં નોંધણી થયેલ તમામ ખેડૂતોને તેઓના ચણાની ટેકાના ભાવે વેચાણ કરવાની તક મળી રહે તે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને ચણાના વધારાના જથ્થાની  ફાળવણી માટે વિનંતી કરતા, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોના હિતમાં ચણાનો જથ્થો વધારી કુલ ૫,૩૬,૨૨૫ મેટ્રિક ટનની મંજૂરી આપવામાં આવી છે. 

 
(9:47 pm IST)