Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

પ્રમુખમાર્ગ : સેવાની નોંધ

પરમ પૂજ્‍ય મહારાજ શતાબ્‍દી લેખમાળા

૧૯૭૮ની સાલમાં વિદેશમાંથી પરત ભારત પધારેલા પ્રમુખસ્‍વામી મહારાજનો સત્‍કાર સમારંભ મુંબઈ યુવક મંડળે યોજેલો. યુવકોને પ્રમુખસ્‍વામી મહારાજને વધાવવાનો ખૂબ ઉમંગ હતો. એક મોટા હૉલને ભાડે કરી ભારતીય સંસ્‍કળતિનો મહિમા વધે તેવો રસપ્રદ સાંસ્‍કળતિક કાર્યક્રમ તેઓએ તૈયાર કરેલો. આ ખર્ચને પહોંચી વળવા તેઓ એક સોવીનીયર પ્રકાશિત કરવાના હતા. સોવીનીયરના દાતાઓને આ કાર્યક્રમની ટિકિટો આપવામાં આવી હતી.

પરંતુ કાર્યક્રમના સમયે ગરબડ એ થઈ કે સોવીનીયરના દાતાઓ આવે તે પહેલા સત્‍સંગી હરિભક્‍તોથી તે હૉલ ભરાઈ ગયો. ટિકિટધારકોને અંદર પ્રવેશ મળે તેવી કોઈ શકયતા રહી નહીં. તેથી ટિકિટધારકોએ હંગામો મચાવ્‍યો. તે જોઈ હૉલનો મેનેજર ગભરાયો. તેણે આયોજક યુવકોને કહ્યું. ‘તમે પરિસ્‍થિતિ થાળે પાડો, નહીં તો હું કાર્યક્રમ બંધ કરાવીશ.'' આયોજક યુવકો મુંઝાયા. તેઓ અંદર કાર્યક્રમ નિહાળી રહેલા પ્રમુખસ્‍વામી મહારાજ પાસે આવ્‍યા અને તેઓને પરિસ્‍થિતિથી વાકેફ કર્યા.

વિગત જાણી પ્રમુખસ્‍વામી મહારાજ તરત જ બહાર પધાર્યા. અકળાયેલા આગંતુકોને હાથ જોડી વિનંતી કરતા તેઓએ કહ્યું, ‘‘હું આપની માફી માંગું છું, અમારી ભૂલ છે. હૉલ ભરાઈ ગયો છે. તમારા માટે ખાસ બીજો કાર્યક્રમ રાખીશું.'' પ્રમુખસ્‍વામી મહારાજની વિનમ્રતા જોતા સૌનો રોષ ઠંડો પડી ગયો. સૌ શાંતિથી વિખરાઈ ગયા.

લોકોનો હંગામો તો શાંત થયો પરંતુ આયોજક યુવકોના અંતરમાં હંગામો શરૂ થયો. ‘આ આપણે શું કર્યું? જેમના સન્‍માન માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું તેમના જ મુખે માફી મંગાવી...'

કાર્યક્રમ બાદ પ્રમુખસ્‍વામી મહારાજ મંદિરે પધાર્યા ત્‍યારે યુવકોએ દુઃખી હૃદયે માફી માંગતા જણાવ્‍યું, ‘‘અમારું આયોજન વ્‍યવસ્‍થિત નહોતું તેથી આપને માફી માંગવી પડી. અમે બહુ જ મોટી ભૂલ કરી છે.'' તે સમયે પ્રમુખસ્‍વામી મહારાજ એટલું જ બોલ્‍યા કે, ‘‘તમે આટલી સેવા કરો છો તો તમારા માટે હું શું આટલું ન કરું ? ''

     ભૂલની સામે અકળાઈ જવું તે સૌને માટે સ્‍વાભાવિક છે. પ્રમુખસ્‍વામી મહારાજ યુવકોની ભૂલ સામે અકળાયા નહીં પરંતુ તેમને મદદરૂપ થવા ઊભા થયા અને યુવકોની ભૂલ પોતાને માથે લઈ -‘ ઉકેલ્‍યો. આ કઈ રીતે થઈ શકે? તે પ્રમુખસ્‍વામી મહારાજના વચનો જ જણાવે છે. ‘‘તમે આટલી સેવા કરો છો તો તમારા માટે હું આટલું ન કરું?! '' પોતાની સેવા કરનારનો મહિમા સમજવો અને તેના માટે કાર્ય કરવા તત્‍પર રહેવું તે ભગવાન અને સંતનો ગુણ છે.

તુલસીદાસજી જણાવે છે કે જ્‍યારે હનુમાનજી લંકામાં સીતાજીને સંદેશો આપી પાછા પધાર્યા, ત્‍યારે ભગવાન શ્રીરામ ગદ્‌ગદ્‌ થઈ ગયા. હનુમાનજીની સેવા પર વારી જતા તેમણે કહ્યું, ‘‘હે હનુમાન! તમારા ઉપકારનો બદલો હું કઈ રીતે વાળું? તમારા ઋણમાંથી હું મુક્‍ત થઈ શક્‍તો જ નથી.''

સીતાહરણ સમયે રાવણની સામે લડેલા જટાયુની સેવાને પણ આ રીતે જ તેઓએ બીરદાવેલી, અને એક ગીધ જેવા પક્ષીને પિતા દશરથ જેવા પૂજ્‍ય માનીને તેનો અગ્નિ સંસ્‍કાર ભગવાન શ્રીરામે જાતે કર્યો હતો. સેવકની સેવાની નોંધ લેવી, તેને બીરદાવવી તથા તેના માટે કરી છૂટવાનો ગુણ અસામાન્‍ય છે.

દિલ્‍હીમાં રચાયેલા અક્ષરધામના ઉદ્ધાટન પ્રસંગે સેવા કરનાર સ્‍વયંસેવકોની વિદાય સભામાં પ્રમુખસ્‍વામી મહારાજે કહ્યું હતું, ‘‘આ જે સેવા કરી છે એ માટે આપ સર્વને ધન્‍યવાદ છે. આ તમારી સેવાને માટે ઘણું કરીએ તો પણ ઓછું છે. તમને લાખ-લાખ દંડવત્‌ કરીએ તો પણ ઓછા છે. તમે જે કર્યું એનો કોઈ બદલો આપી શકાય એમ નથી. આ પ્રસંગે આવ્‍યા ને કંઈ ખાવા-પીવામાં, કામકાજમાં, રહેવા-કરવામાં મુશ્‍કેલી થઈ હોય તો માફ કરજો. રાજી રહેજો.''

તીથલમાં પ્રમુખસ્‍વામી મહારાજની જન્‍મજયંતી મહોત્‍સવની મુખ્‍યસભા ચાલી રહી હતી. તેના અંતિમ ચરણમાં હજારો ભક્‍તોએ ભગવાન સ્‍વામિનારાયણ સાથે ગુરુહરિ પ્રમુખસ્‍વામી મહારાજને આરતીથી વધાવવા દીવડા પ્રગટાવ્‍યા. તે સમયે પ્રમુખસ્‍વામી મહારાજે પણ આરતીની થાળી મંગાવી અને તેઓ સૌ ભક્‍તોની આરતી ઉતારવા લાગ્‍યા. આ અંગે આ?ર્ય વ્‍યક્‍ત કરતા પ્રવક્‍તાના ઉત્તરમાં આશીર્વાદ આપતા તેમણે જણાવ્‍યું કે, ‘‘આપ સૌ ભક્‍તોની આરતી ઉતારવી તે મારી ફરજ છે.'' સેવકોની આરતી સ્‍વામી કરે અને તેને પોતાની ફરજ માને આ સામાન્‍ય વાત નથી.

નાના મોટા પ્રસંગે કોઈ વ્‍યવસ્‍થા ન સચવાય, અથવા તો કોઈ અડચણ પડે તો અકળાઈ જનારા આપણા જેવા સૌએ આમાંથી બોધ લેવા જોવો છે. જો માલિક તેના મજૂરના કાર્યોની નોંધ લેવાનું શીખે, જો મેનેજર તેના સ્‍ટાફના સહકારની નોંધ રાખતા હોય, જો પતિ તેના પત્‍નીની સેવાની નોંધ લેતા હોય, જો પત્‍ની તેના પતિના પુરુષાર્થને નજર સમક્ષ રાખતી હોય, જો સંતાનો પોતાના માતા-પિતાના ઉપકારોની યાદી રાખતા હોય તો સંસારમાં શાંતિ, સુખ, સંપનો સાગર છલકાયા કરે. પ્રમુખસ્‍વામી મહારાજ જેવા સંતોના અંતરમાં સદાય શાંતિનો સાગર છલકાતો રહેતો તેનું એક કારણ આ છે. પોતાની સાથે રહેનારા નાના-મોટા સૌની સેવાની નોંધ લેવી, તેનો મહિમા સમજવો, તેને વિવિધ રીતે વધાવતા રહેવું - આ સંતમાર્ગ છે, તે  જ પ્રમુખમાર્ગ છે. શાંતિના માહોલમાં મ્‍હાલવા માટે પ્રમુખમાર્ગે પગલાં પાડવાં અનિવાર્ય છે.

- સાધુ નારાયણમુનિદાસ

(5:11 pm IST)