Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

દધાલિયા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારને ૧૨ મત પણ ન મળ્યા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ : કોંગ્રેસના ઉમેદવારને પરિવારના ૧૨ મતમાંથી ૧૧ મત મળતા, ઈવીએમમાં છબરડા થયા હોવાનો આક્ષેપ કર્યો

અરવલ્લી, તા. ૨ : રાજ્યમાં ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આજે (૨ માર્ચ, ૨૦૨૧એ) રાજ્યમાં નગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા. રાજ્યમાં મહાનગરપાલિકાઓની જેમ જ નગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય પતાકા લહેરાઈ ગઈ છે.શહેરોની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.

ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા દધાલીયા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારને પરિવારના ૧૨ મત પણ નહીં મળતા વિવાદ સર્જાયો છે. અરવલ્લીની દધાલીયા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારને પરિવારના ૧૨ મતમાંથી ૧૧ મત મળતા, ઈવીએમમાં છબરડા થયા હોવાનો આક્ષેપ કર્યો છે.

કોંગ્રેસના ઉમેદવારને કોકાપુર ગામમાંથી ૬૨૬માંથી માત્ર ૧૧ મત મળ્યા એટલે ઈવીએમમાં છબરડા થયા હોવાનો આક્ષેપ કર્યો છે. વધુ મળતી માહિતી મુજબ, કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટે જણાવ્યું કે કોકાપુર ગામમાં કોંગ્રેસના ઉમેદવારના ઘરના ૧૨ સભ્યોએ મતદાન કર્યું હતું અને ૧૮૮ જેટલા કોંગ્રેસના કાર્યકરોએ પણ મતદાન કર્યું હતું, પરંતુ આજે ઈવીએમમાં મત ગણતરી દરમિયાન તેમાંથી માત્ર ૧૧ જ મત નીકળ્યા છે. જેથી કોંગ્રેસના ચૂંટણી એજન્ટે ઈવીએમમાં છબરડા થયા હોવાનો આક્ષેપ કર્યો છે.

જ્યારે કોંગ્રેસના કાર્યકરનો આક્ષેપ છે કે કોઈ રાજકીય પાર્ટીએ ઈવીએમમાં ચેડા કર્યા છે, આ ચૂંટણીમાં કેવી રીતે મત ગાયબ થઈ જાય? મારી માગ છે કે અરવલ્લી તાલુકા પંચાયતની ચૂંટણી રદ થવી જોઈએ અને ફરીથી બેલેટ પેપર પર ચૂંટણી થવી જોઈએ.

(9:33 pm IST)