Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

રાજ્યની જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો : માત્ર 4 નગર પાલિકામાં પંજો પ્રસર્યો

કાલાવડ તાલુકા પંચાયતમાં આપ અને અપક્ષ કિંગ મેકર બનશે.

અમદાવાદ : ગુજરાત હવે કોંગ્રસમુક્ત થઇ રહ્યું હોવાનું લાગે છે. જ્યમાં જિલ્લા-તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓની યોજાયેલી ચૂંટણીમાં અત્ર તત્ર સવર્ત્ર ભાજપનો ભગવો લહેરાઇ ગયો છે. કોંગ્રેસનો લગભગ સફાયો થઇ ગયો. 31 જિલ્લા પંયાચતમાં કોંગ્રેસને ફાળે એક પણ ન આવી. 81 નગર પાલિકામાંથી 75 પર ભાજપે કબજો કરી લીધો. માત્ર 4માં કોંગ્રેસને સત્તા હાથમાં આવી. જ્યારે 231 તાલુકા પંચાયતોમાંથી 196માં ભાજપનું શાસન રહેશે. માત્ર 33 તાલુકામાં કોંગ્રેસની સત્તા ચાલશે.

   2015ની ચૂંટણીઓમાં નગર પાલિકા સિવાય જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનો દબદબો હતો. તેનો નીચેના કોષ્ટક પરથી ખ્યાલ આવી શકશે. જિલ્લા પંચાયતમાં 936 બેઠક, નગરપાલિકામાં 2576 બેઠક અને તાલુકા પંચાયતમાં 4474 બેઠક હતી. ભાજપે 2010નું પુનરાવર્તન કર્યું છે. 2010માં ભાજપ 30 જિલ્લા પંચાયત જીત્યો હતો. જ્યારે એક અન્યને મળી હતી. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર અમરેલીમાં પણ કોંગ્રેસનો રકાસ થયો છે

રાજ્યની 31 જિલ્લા પંચાયત , 81 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયત ની યોજાયેલી ચૂંટણી બાદ હાલમાં પરિણામો સામે આવી રહ્યા છે. આ પરિણામોમાં અનેક જગ્યાએ અપસેટ સર્જાયા છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસ અને બીટીયુના ધારાસભ્યોનાં દીકરાઓ પણ હાર્યા છે. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. સૌરાષ્ટ્રની એક તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી કિંગ મેકર બનશે. જામનગરની કાલાવડ તાલુકા પંચાયતમાં આપ અને અપક્ષ કિંગ મેકર બનશે.

કાલાવાડ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપના ફાળે 8 ગઈ છે. જ્યારે કોંગ્રસના ફાળે 7 અને ૨ આમ આદમી પાર્ટી તથા એક અપક્ષના ફાળે ગઈ છે. કોંગ્રેસના કાલાવડના ધારાસભ્ય પ્રવિણ મૂછડિયાએ ચૂંટણી નહીં લડવા દબાણ કરેલ આપની બેરાજા સીટની ઉમેદવાર દયા મકવાણા વિજેતા બની છે. સોશિયલ મિડીયામાં પ્રવીણ મૂછડિયા અને દયા મકવાણા વચ્ચેના વાતચીત વાયરલમાં જો આપને 1 સીટ મળશે તો રાજીનામું આપી દઈશ તેમ અગાઉ કહ્યું હતું.

(8:08 pm IST)