Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

વડનગર તાલુકા પંચાયતની એક બેઠક પર આપનો કબજો

આમ આદમી પાર્ટીની પંચાયતોમાં પણ એન્ટ્રી : ભાજપ અને કોંગ્રેસની આ લડાઈમાં કેજરીવાલની આમ આદમી પાર્ટી ફાચર મારી પોતાની હાજરી નોંધાવી

અમદાવાદ, તા. ૨ : રાજ્યમાં મહાનગરપાલિકાઓની જેમ જ નગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય પતાકા લહેરાઈ ગઈ છે. શહેરોની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. જોકે, આ બધાની વચ્ચે જેમ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)એ સુરતમાં ૨૭ બેઠકો પર કબજો કરી બધાને ચોંકાવી દીધા હતા, તે જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ બધાને ચોંકાવી રહી છે. આજે (૨ માર્ચ, ૨૦૨૧એ) રાજ્યમાં નગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા, તેમાં આપનો દેખાવ કોંગ્રેસની સરખામણીએ ઘણો નોંધપાત્ર રહ્યો છે. ખાસ વાત તો એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનમાં પણ આપની એન્ટ્રી થઈ ગઈ છે. વડનગર તાલુકા પંચાયતની એક બેઠક પર આપની જીત થઈ છે.

રાજ્યમાં ૮૧ નગરપાલિકાની ૨,૭૨૦ બેઠકો, ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠક અને ૨૩૧ તાલુકા પંચાયતની ૪,૭૭ બેઠકો સહિત કુલ ૮,૪૭૪ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૮૧ નગરપાલિકાની ચૂંટણીમાં ૬૮૦ વોર્ડની કુલ ૨,૭૨૦ બેઠકો પૈકી ૯૫ બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો પૈકી ૨૫ બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. ૨૩૧ તાલુકા પંચાયતની બેઠકો ૧૧૭ બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. નગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોની બાકીની બેઠકો માટે ગત ૨૮મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ આજે જાહેર થયા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનો કેસરીયો લહેરાઈ ગયો છે. જોકે, ભાજપ-કોંગ્રેસની આ લડાઈમાં આમ આદમી પાર્ટી ફાચર મારી પોતાની હાજરી નોંધાવી છે. તેમાંય મહેસાણા જિલ્લામાં અને તેમાંય વળી વડનગર તાલુકા પંચાયતમાં આપના ફાળે બેઠક આવવી એ મોટી વાત કહી શકાય. કેમકે, વડનગર એ વડાપ્રધાન મોદીનું વતન છે અને વડાપ્રધાનના વતનમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી ઘણા બધા સંકેત આપી જાય છે. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકા પંચાયતની બોલિપુરા સીટ પર આપના ઉમેદવાર નાગરભાઈ મોમિનની જીત થઈ છે. આમ, મહેસાણા જિલ્લામાં પણ આપનો ઉદય થઈ ગયો છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ ખાતુ ખોલાવ્યું છે. અમરેલી જિલ્લામાં આપની એન્ટ્રી થઈ છે. ધારી તાલુકા પંચાયતની ભાડેર બેઠક પર આપના ઉમેદવાર રેખાબેન પરમારની જીત થઈ છે. આ બેઠક ભાજપની સૌથી સુરક્ષિત બેઠક મનાતી હતી. તેમજ કચ્છની ગાંધીધામ તાલુકા પંચાયતમાં આપને એક બેઠક મળી છે. જુનાગઢ તાલુકા પંચાયતની જામકા બેઠક પર આપના કૈલાસ સાવલિયા વિજયી થયા છે. કાલાવડ તાલુકા પંચાયતમાં પણ આપના એક ઉમેદવારની જીત થયાના અહેવાલ છે. જેસર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને બે બેઠક મળી છે અને બનાસકાંઠાના ડીસાના વોર્ડ નંબર ૩માં આપના એક ઉમેદવારની જીત થઈ છે.

(8:04 pm IST)