Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

સોનાના ભાવ તળીયે બેસતા બજારોમાં રોનક વધી લોકો ખરીદી માટે પહોંચ્યા

લગ્ન સીઝન અને કોરોનાનો કેર ઓછો થતા લોકો ખુલીને ખરીદી કરવા બહાર આવ્યાઃ જોકે હજુ પણ લોકો એક નિશ્ચિત બજેટ સાથે જ ખરીદી કરવા આવે છે

અમદાવાદ, તા.૨: કેન્દ્રીય બજેટની જાહેરાત બાદ સોના પર બેઝિક કસ્ટમ ડ્યુટી (બીસીડી)માં ઘટાડાને પગલે સોનાના ભાવમાં ઘટાડાથી પીળી ધાતુની માંગમાં વધારો થયો હતો. જાન્યુઆરીમાં ૧.૩૧ મેટ્રિક ટનની સામે ગુજરાતમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં ૩.૭૮ મેટ્રિક ટન સોનાની આયાત કરવામાં આવી હતી, જે અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેકસ (એએસીએ)નો ડેટા સૂચવે છે. લગ્નની ચાલી રહેલી સિઝનને કારણે સોનાના દાગીનાની માગ વધી હતી, જોકે જૂના સોનાના એકસ્ચેન્જ દ્વારા કરવામાં આવતી સોનાની ખરીદી પણ એટલી જ થઈ હોવાથી નવા સોનાની આયાતનું પ્રમાણ નિયંત્રણમાં રહ્યું હતું.

છેલ્લા કેટલાક દિવસોથી ધૂમ લગ્નની સિઝન હોવાથી જવેલરીની માગમાં નોંધપાત્ર સુધારો થયો હતો. વધુમાં, ઉત્ત્।રાયણ બાદી કોવિડ-૧૯ કેસોમાં ઘટાડો, રસીકરણ અભિયાનની શરુઆત, સાથે લગ્ન પ્રસંગો અને સામાજિક મેળાવડાઓમાં ૨૦૦ વ્યકિતઓને મંજૂરી આપવામાં આવતા હવે લગ્નનું આયોજન કરી રહેલા લોકોમાં સામાન્ય આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. એમ જવેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ (જેએએ)ના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતું.

'એક તરફ વધુ લગ્નો થઈ રહ્યા છે અને બીજી તરફ સોનાના ભાવમાં રૂ.૫૦,૦૦૦ની સપાટીની નીચે ભારે ઘટાડો થયો છે, તેથી સોનાના દાગીનાની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.' એમ પણ સોનીએ ઉમેર્યું હતું.

જોકે જવેલર્સનો મત હતો કે હજુ પણ વધુ ખરીદી મોટાભાગે જૂના સોનાની આપ-લે કરીને થાય છે. ચાલુ મંદીના વલણને કારણે લોકો નિશ્યિત બજેટ સાથે જ ખરીદી કરવા આવે છે. ફેબ્રુઆરીમાં સોનાની આયાત વધીને ૧૫ મહિનાના ઊંચા સ્તર પર આવી ગઈ છે. છેલ્લે નવેમ્બર ૨૦૧૯માં સોનાની આયાત આ સ્તરે હતી, જયારે રાજયમાં ૪.૫૪ એમટી સોનાની આયાત કરવામાં આવી હતી.

અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેકસના આંકડામાં જણાય છે તે પ્રમાણે લોકડાઉન અને ત્યારબાદ નબળા પડી રહેલા ગ્રાહકોના સેન્ટિમેન્ટથી પ્રભાવિત થઈને સોનાની આયાત વર્ષ ૨૦૨૦માં અત્યાર સુધીમાં સૌથી નીચે ૧૮.૮ મેટ્રિક ટન જેટલી રહી હતી.

(3:13 pm IST)