Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ ૧૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો ધરાવતું રાજ્ય, જેના પરિણામે ગુજરાતમાં મેરિટાઇમ ક્ષેત્રે રોકાણની વિપુલ તકોઃ વિજયભાઈ રૂપાણી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દ્વિતીય મેરીટાઈમ ઈન્ડીયા સમિટ-૨૦૨૧નું ઉદ્ઘાટનઃ મુખ્યમંત્રી ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા

રાજકોટ, તા. ૨ :. ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે દ્વિતીય મેરીટાઇમ ઇન્ડિયા સમિટ-૨૦૨૧નું નવી દિલ્હીથી ઇ-ઉદ્દઘાટન કરાયું હતું. આ સમિટમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

વડાપ્રધાનશ્રી મોદીએ મેરિટાઇમ ક્ષેત્રે ભારતની પ્રગતિ તેમજ રોકાણની ભાવિ તકો વિશે વિગતવાર માર્ગદર્શન આપીને ભારતમાં વૈશ્વિક રોકાણ માટે રોકાણકારોને પ્રોત્સાહિત કર્યા હતા.

વડાપ્રધાન શ્રી મોદીએ આ પ્રસંગે મેરિટાઇમ ઇન્ડિયા વિઝન-૨૦૩૦ ઇ-બુકનું લોચિંગ કર્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યું હતું કે, ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ ૧૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. જેના પરિણામે ગુજરાતમાં મેરિટાઇમ ક્ષેત્રે રોકાણની વિપુલ તકો રહેલી છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતને મેરિટાઇમ ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર બનાવવા ખૂબ મહત્વની ભૂમિકા અદા કરી છે. આજે ગુજરાત તેમના તૈયાર કરેલા વિઝન-રોડ મેપ ઉપર આગળ વધી રહ્યું છે.

ગુજરાતે દરિયાઇ વેપાર, બંદરોના વિકાસ વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ, અલંગ શિપ બ્રેકિંગ પાર્ક, રો-પેકસ સર્વિસ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.  

કેન્દ્રિય શિપિંગ રાજ્યમંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ સ્વાગત પ્રવચન કરીને દ્વિતીય મેરિટાઇમ ઇન્ડિયા સમિટ-૨૦૨૧ની વિસ્તૃત માહિતી આપી હતી.

આ સમિટમાં કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીશ્રી જગમોહન રેડી, ડેનમાર્કના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરશ્રી યુત, બેન્ની એન્જલબેચટ, શ્રી યુત અહમદ બિન સુલયમ, કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ, મેરીટાઇમ ક્ષેત્રના ગ્લોબલ સીઈઓ જ્યારે ગાંધીનગર ખાતે બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી કમલ દયાણી, મેરિટાઇમ બોર્ડના ઉપાધ્યાક્ષ અને મુખ્ય કારોબારી અધિકારીશ્રી અવંતિકાસિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

(3:01 pm IST)