Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

કેશુભાઈ મને ટીકીટ અપાવી અને એમની જ સરકાર મેં ઉથલાવી તેનો આજે પણ ખુબ જ રંજ છે : રાઘવજી પટેલે આપી શ્રદ્ધાંજલિ

કેશુભાઈને કરેલો અન્યાય કબૂલ કર્યો અને મેં એમ પણ કીધું એ ભૂલ કરીને મેં પાપ કર્યું અને એ પાપની મને સજા પણ મળી

ગુજરાતના સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રીઓ માધવસિંહ સોલંકી તથા કેશુભાઈ પટેલને સોમવારે સાંજે વિધાનસભાના બજેટસત્રના આરંભે ગૃહે અંજલિ અર્પી હતી અને તેમના માનાર્થે બે મિનિટ મૌન પાળ્યું હતું. ગૃહના વડા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લવાયેલા શોકદર્શક ઉલ્લેખને વિપક્ષે ટેકો આપી પસાર કર્યો હતો.

મુખ્યમંત્રીએ માધવસિંહને તથા કેશુભાઈને ગુજરાતના વિકાસ માટે નવી દિશા આપનારા મુખ્યમંત્રીઓ તરીકે વર્ણવતાં જણાવ્યું હતું કે, શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરાવનારા માધવસિંહ કુશળ પ્રશાસક, દીર્ધદ્દષ્ટા અને વિચક્ષણ રાજપુરુષ હતા અને તેમના ચાર વખતના મુખ્યમંત્રીપણા હેઠળ ગ્રામીણ વિકાસ, ઉધોગ-વીજળી-શિક્ષણ જેવા ક્ષેત્રોમાં તેમજ સામાજિક કલ્યાણ અને સાહિત્ય સંસ્કૃતિમાં રાજ્યને નવી દિશા આપી હતી.

કેશુભાઈને લોકનેતા તથા ગ્રામીણ વિકાસના પ્રણેતા ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, કિસાનપુત્ર તરીકે ખેડૂતોના હિતો પ્રત્યે હંમેશાં સંવેદના દર્શાવતા એમણે ગોકુલગ્રામ યોજના આપી ગ્રામીણ વિકાસને પ્રાધાન્ય આપ્યું હતું. જ્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ મુખ્યમંત્રીનો શોકદર્શક ઉલ્લેખમાં સૂર પુરાવી સદ્દગત મુખ્યમંત્રીઓને ઘેઘૂર વડલા સમાન ગણાવી રાજ્યના વિકાસમાં એમણે આપેલું યોગદાન કર્યું હતું.

જામનગર(ગ્રામ્ય)ના ધારાસભ્ય રાઘવજી વિધાનસભા ગૃહમાં દુ:ખ વ્યક્ત કર્યુ હતું. તેમણે જણાવ્યું કે, કેશુભાઈ મને ટીકીટ અપાવી હતી અને એમની જ સરકાર મેં ઉથલાવી હતી. જેનું મને આજે પણ ખુબ જ રંજ છે કે હું એ વખતે એમની સરકાર પાડવામાં હતો. એના કારણે જ કદાચ પછી મને ડાયાબિટીસ અને બી.પી રોગ થયા હતા. મેં એ સમયે જે ભૂલ કરી હતી જેનો મને કાયમ માટે રંજ હતો. એ રંજ વ્યક્ત કરવા માટેનો આજે મને શ્રેષ્ઠ મોકો લાગ્યો અને કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપતી વખતે મારા મનમાં પડેલી વાત બહાર આવી ગઈ. કેશુભાઈને કરેલો અન્યાય કબૂલ કર્યો અને મેં એમ પણ કીધું એ ભૂલ કરીને મેં પાપ કર્યું અને એ પાપની મને સજા પણ મળી છે.

સીએમ રૂપાણીએ ગૃહમાં શોકપ્રસ્તાવમાં દિવંગત સુંદરસિંહ ચૌહાણ, બાબરભાઇ તડવી, રજનીકાંત રજવાડી અને રોહિતભાઇ પટેલ, પૂર્વ દિવંગત વિધાયકો સ્વ. દિનકરભાઇ દેસાઇ, શ્રીમતી ચંદ્રાબહેન શ્રીમાળી, ધારશીભાઇ ખાનપુરા, જોધાજી ઠાકોર, નરેશ કનોડિયા, મેઘજીભાઇ કણઝારીયા અને ભૂપેન્દ્રસિંહ ખાંટના નિધન અંગે પણ દુ:ખ વ્યક્ત કરી આ સભ્યોને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા.

(1:08 am IST)