Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

જુનિયર કલાર્કનું પેપર ફોડનાર શ્રદ્ધાકરે 73 હજાર અને નવા સ્‍માર્ટફોનની લાલચે 9 લાખથી વધુ પરિક્ષાર્થીઓના ભાવિ સાથે ચેડા કર્યા

એટીએસ દ્વારા પેપરકાંડમાં સંડોવાયેલા 15 આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાયા

ગાંધીનગર: જુનિયર ક્લાર્ક પરીક્ષામાં લેટેસ્ટ સ્માર્ટ ફોન અને 73 હજાર રૂપિયાની લાલચમાં જુનિયર ક્લર્કનું પેપર ફોડવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી શ્રદ્ધાકર લુહાએ પેપર ચોરીને આ કાંડના માસ્ટર માઈન્ડ પ્રદીપને આપ્યું હતું. જેના બદલમાં શ્રદ્ધાકર લુહાને પ્રદીપે રોકડા અને લેટેસ્ટ સ્માર્ટ ફોન આપ્યો હતો. બાકીના પૈસા જુનિયર ક્લર્ક પરીક્ષાનું પેપર લેવાય જાય પછી આપવાના હતા.

આરોપી શ્રદ્ધાકરની 73 હજાર રૂપિયા અને નવા સ્માર્ટ ફોનની લાલચે 9 લાખ 53 હજારથી વધુ પરીક્ષાર્થીઓનું સપનું રોળ્યું છે. આરોપી શ્રદ્ધાકરે કેટલીક રકમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી પણ મળી હતી. હાલ આરોપીનો મોબાઈલ FSLમાં મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે, રવિવારે ગુજરાતમાં જુનિયર ક્લર્કના હોદ્દા માટે પરીક્ષા લેવાવાની હતી. જેનું પેપર ફૂટી ગયું હતું. જેના કારણે નવ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહોતા. આ કેસના આરોપીઓને ATSએ ઝડપી પાડ્યા છે. હાલ આરોપીઓ પોલીસ રિમાન્ડમાં છે અને તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે.

હજારો વિદ્યાર્થીઓના સંપર્ક કરવાનો હતો

આરોપી રૂપિયા 50 હજારમાં પેપરની કોપી આપવાનો હતો. જેમાં હજારો વિદ્યાર્થીઓના સંપર્ક કરવાનો હતો. તેમજ હાર્દિક શર્મા અમદાવાદમાં નર્સિંગ કોલેજ પણ ધરાવે છે. તથા એક નર્સિંગ કોલેજમાં હાર્દિક શર્મા ભાગીદાર છે. તેમજ વધુમાં વધુ ઉમેદવારોને પેપર વેચવાનો હાર્દિકનો પ્લાન હતો. જેથી હવે ATSએ હાર્દિક શર્માની ધરપકડ કરી છે. હાર્દિક શર્મા મૂળ સાબરકાંઠાના પ્રાંતિજનો રહેવાસી છે.

કોર્ટ દ્વારા આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

ગુજરાતમાં 29 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. પેપરલીક કાંડમાં પકડાયેલા 15 આરોપીઓને વડોદરા કોર્ટમાં રજુ કરાયા હતા. ATS દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં નવા ખુલાસા સામે આવી શકે છે.

(5:56 pm IST)