Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

અરે વાહ... છટણીના દોરમાં કર્મચારીઓને ગીફટમાં મળી કારઃ ૮ વર્ષ સાથે રહ્યા તેનું મળ્‍યું ઇનામ

અમદાવાદની ત્રિધ્‍યા ટેક લિમિટેડ નામની કંપનીના ૧૩ કર્મચારીઓને લક્‍ઝરી કાર ગિફટ કરવામાં આવી છે

અમદાવાદ,તા.૨: અમદાવાદ (ગુજરાત)માં એક IT કંપનીના માલિકે તેના ૧૩ કર્મચારીઓને લક્‍ઝરી કાર ભેટમાં આપી છે. જણાવવામાં આવ્‍યું હતું કે ૮ વર્ષ પહેલા શરૂ થયેલી આ IT કંપનીનું ટર્નઓવર કરોડોમાં છે. દેશ-વિદેશની અનેક કંપનીઓમાં છટણીની પ્રક્રિયા ચાલી રહી છે, આવી સ્‍થિતિમાં ગિફટમાં ચમકતી કાર મળતાં કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્‍યોની ખુશીનો કોઈ પાર ન રહ્યો.

કંપનીએ આ કાર એવા કર્મચારીઓને ભેટમાં આપી છે જેઓ કંપનીની શરૂઆતથી જ તેની સાથે જોડાયેલા છે. બીજી તરફ કાર મળતા કર્મચારીઓનું કહેવું છે કે આજે અમારી મહેનત રંગ લાવી છે.

હકીકતમાં, અમદાવાદની ત્રિધ્‍યા ટેક લિમિટેડ કંપનીના ૧૩ કર્મચારીઓને લક્‍ઝરી કાર ભેટમાં આપવામાં આવી છે. કંપનીના એમડી રમેશ મરંડ કહે છે કે અમારી કંપની એક સ્‍ટાર્ટઅપ હતી. જે કર્મચારીઓને કાર ભેટ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા છે તે તમામ શરૂઆતના દિવસોથી કંપની સાથે જોડાયેલા હતા.

આ લોકો તેમની સારી વેતનવાળી નોકરી છોડીને સ્‍ટાર્ટઅપ પર વિશ્વાસ રાખીને કંપનીમાં જોડાયા હતા. આ કંપનીને આગળ વધારવા માટે દિવસ-રાત મહેનત કરી. કંપનીના એમડી રમેશ મરંદે પણ કહ્યું કે હવે અમે કંપનીના બાકીના કર્મચારીઓને કાર ગિફટ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.

કંપની તરફથી ગિફટમાં લક્‍ઝુરિયસ કાર મળતાં કર્મચારીઓની ખુશીનો પાર ન રહ્યો. કર્મચારીઓએ કહ્યું કે અમે શરૂઆતથી અહીં કામ કરીએ છીએ. આજે અમારી કંપની વૈશ્વિક સ્‍તરે કામ કરી રહી છે. કંપનીમાં કર્મચારીઓની મહેનતની પ્રશંસા થાય છે. અમે કાર મેળવીને ખૂબ જ ખુશ છીએ.

એમડી રમેશ મારંદે જણાવ્‍યું કે તેમની કંપનીનું કામ એશિયા, યુરોપ અને ઓસ્‍ટ્રેલિયામાં ફેલાયેલું છે. અમારી કંપની BFSI, હેલ્‍થકેર, ઈન્‍સ્‍યોરન્‍સ, રિટેલ અને એનર્જી જેવા ઉદ્યોગો માટે સોફટવેર વિકસાવે છે. ઘણી કંપનીઓને ટેક સપોર્ટ પણ આપે છે.

(10:46 am IST)