Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

અસલી નોટોના બંડલ વચ્ચે 29 લાખની ચિલ્ડ્રન નક્લી નોટો મુકી અમદાવાદના વેપારી સાથે છેતરપિંડી : ક્રાઈમબ્રાંચે ઝડપી લીધો

સોનાચાંદીના વેપારી પાસેથી સોનાની ખરીદી કરી લાખો રૂપિયાનો ચુનો લગાવનાર આરોપીની ધરપકડ

અમદાવાદ : શહેરમાં સોના ચાંદીના વેપારીઓને ચેતવવા જેવો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં નકલી નોટો આપી અસલી સોનાની ખરીદી કરી છેતરપિંડી કરનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.આરોપીનું નામ મહેન્દ્રસિંગ રાજપુરોહિત છે. આરોપી મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો રહેવાસી છે.

અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી બાપુનગર યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહે છે. ઝડપી પૈસા કમાવવાની લાલચ અને દેવું ચૂકવવા માટે આરોપી મહેન્દ્રસિંગ એ વેપારી સાથે છેતરપિંડી આચરવાનો માસ્ટર પ્લાન બનાવી નાખ્યો. જેમાં આરોપી સફળ પણ થયો, પરંતુ ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો અને ઠગાઈ કરેલા સોનાના બિસ્કિટ જપ્ત કર્યા.હતા

 સોનાના વેપારી સાથે ઠગાઈ કરનાર આરોપી મહેન્દ્રસિંગ રાજપુરોહિતે માણેકચોકના સોનાના વેપારીને છેતરવાનું નક્કી કર્યું, જેમાં સોનાનો વેપારી બની ફોન કરી એક કિલો સોનું ખરીદી માટે બુક કરાવ્યું હતું. પરંતુ વેપારી પાસે માત્ર 400 ગ્રામ સોનું હોવાના કારણે તેટલું જ આપ્યું હતું. જેની સામે આરોપી એ રોકડ રકમ જે ચૂકવી હતી, જેની કિંમત કુલ 30 લાખ થઈ હતી. જેમાં આરોપી એ માત્ર 1 લાખ રૂપિયાની સાચી ચલણી નોટો આપી હતી અને બાકી 29 લાખની ચિલ્ડ્રન નકલી નોટો આપી હતી.

વેપારીએ તમામ નોટોના બંડલ ઓફિસ આવીને ગણતરી કરતા નકલી નોટો હોવાનું માલુમ પડતા ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. સોનાના બિસ્કિટ નકલી નોટોથી ખરીદનાર આરોપીએ અન્ય કેટલા વેપારીઓ સાથે આ પ્રકારે ઠગાઈ કરી છે અને તેની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.

(10:36 pm IST)