Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

વડોદરા: દુમા ચોકડી બહાર ઉભેલ ટ્રકની તાડપત્રી તોડી તસ્કરો 27.52 લાખથી વધુની કિંમતના વાયરો ચોરી છૂમંતર

વડોદરા: શહેર નજીક દુમાડચોકડી પાસે ઢાબાની બહાર વાયરો ભરેલી ટ્રકની તાડપત્રી કાપીના તસ્કરો ૨૭.૫૨ લાખથી વધુની કિંમતના વાયરો ભરેલા બોક્સની ચોરી કરી ગયા હતા. શહેરના ન્યુ સમારોડ પર આવેલા પાર્થ ડુપ્લેક્સમાં રહેતાં બલવિન્દરસંગ કહેલોન છાણી સીતારામ માર્કેટમાં કહેલોન રોડવેઝ નામે ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસ ધરાવે છે. તેમણે ૨૯મી તારીખે હાલોલ પાસેના રામપુરા ગામે આવેલી પોલીકેબ વાયર પ્રા.લી.કંપનીમાં માલ ભરવા માટે તેમની પોતાની ટ્રક મોકલી હતી. ટ્રક લઈને ગયેલા મુળ બંગાળનો વતની અને હાલમાં શહેરના છાણી વિસ્તારના વ્હોરવાડમાં રહેતો ડ્રાઈવર આલગીર શેખતૈયબ આલમેૈ ટ્રકમાં પોલીકેબ વાયરોના કુલ ૨૧૩ બોક્ષ ભર્યા હતા અને ટ્રકને તાડપત્રીથી કવર કરી તે વાયરોનો જથ્થો અમદાવાદના અસલાલી ખાતે એ આર ઈલેકટ્રોપાવર કંપનીમાં જવા માટે નીકળ્યો હતો. કંપનીમાં રાત્રે માલ ભરીને નીકળતા મોડું થતાં તેણે ટ્રકને રસ્તામાં હાઈવે પર દુમાડચોકડી પાસેબંટ્ટીના ઢાબા સામે સર્વિસરોડ પર પાર્ક કરી હતી અને ટ્રકને બિનવારસી હાલતમાં મુકીને તે છાણી ગામમાં તેના ઘરે ગયો હતો અને જમીને ઘરે સુઈ ગયો હતો. દરમિયાન મોડી રાત્રે તસ્કરોએ બિનવારસી ટ્રકને નિશાન બનાવી હતી. તેઓએ ટ્રકની પાછળ તાડપત્રીને બાંધેલા દોરડાં કાપી નાખી તાડપત્રી કાઢીને રોડ પર ફેંકી દીધી હતી અને ટ્રકમાંથી ૨૭.૫૨ લાખની કિંમતના વિવિધ પ્રકારના પોલી કેબ વાયરોના ૧૪૯ બોક્સની ચોરી કરી હતી અને ટ્રક તેમજ ડ્રાઈવર કેબિનમાં કેટલાક બોક્સ છોડી તેઓ ફરાર થયા હતા. સવારે ટ્રક લેવા માટે ગયેલા ડ્રાઈવરને ટ્રકમાંથી વાયરોના બોક્સની ચોરીની જાણ થતાં તેણે આ બનાવની પોલીસ અને ટ્રાન્સપોર્ટ કંપનીમાં જાણ કરી હતી. ટ્રાન્સપોર્ટ સંચાલકની ફરિયાદના પગલે છાણી પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(3:57 pm IST)