Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

નર્મદા જિલ્લાના વિકલાંગ-દિવ્યાંગ અને અશક્ત મતદાતાઓએ પણ લોકશાહીનાં મહાપર્વમાં ભાગ લઇ કર્યું મતદાન

શતાયુ વટાવી ચૂકેલા બોરિયા ગામનાં ૧૦૧ વર્ષીય પાર્વતીબેન તડવી પરિવારનાં સભ્યો સાથે મતદાન કરીને મતદાનથી અળગા રહેતાં મતદારોને પ્રેરક રાહ ચીંધે છે

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં લોકશાહીનાં મહાપર્વની થયેલી ઉજવણીના ભાગરૂપે ૧૪૮-નાંદોદ (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં તેમજ ૧૪૯- દેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં યોજાયેલા મતદાનનો આજે સવારે શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. અત્રે નોંધનીય છે કે, નર્મદા જિલ્લામાં ઉક્ત બંને વિધાનસભા વિસ્તારો માટે સેવા મતદારો સહિત કુલ-૪,૫૭,૮૮૦ મતદારો નોંધાયેલા છે. ઉક્ત બંને બેઠકની ચૂંટણી સ્પર્ધામાં રહેલાં ૦૯ ઉમેદવારોનું ભાવિ ઘઢી કાઢવામાં નર્મદા જિલ્લાનાં મતદારો ભાગીદાર બનશે. આ લોકશાહીના અવસરને વધુ મજબૂત બનાવવાના ધ્યેય સાથે જિલ્લાના વિકલાંગ-દિવ્યાંગ અને તનથી અશક્ત પણ મનથી સશક્ત મતદાતાઓએ પણ લોકશાહીનાં મહાપર્વમાં ભાગ લઇને મતદાન કરી અન્ય મતદારોનો ઉત્સાહ વધાર્યો હતો.

નાંદોદ વિધાનસભા મતવિસ્તારના રાજપીપળા આશાપુરી વિસ્તારમાં રહેતા વિકલાંગ જ્યોત્સનાબેન દીપકભાઈ પાદરીયા એ વ્હીલ ચેરમાં પહોંચી મતદાન કર્યું હતું, ભદામ ગામના દિવ્યાંગ હિરલકુમાર પ્રવિણભાઈ પટેલે ગામની શાળામાં આવેલા મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું.તેવી જ રીતે રાજપીપલાના લાલટાવર વિસ્તાર માં રહેતા ઈલાબેન વિક્રમભાઈ તડવી પણ ૧૦૦ ટકા દિવ્યાંગતા ધરાવે છે. તેઓ કંઈજ જોઈ શકતા નથી પરંતુ રાજેન્દ્ર હાઈસ્કૂલ ખાતેના મતદાન મથકમાં પોતાનો મત આપવા આવ્યા હતા.નાંદોદ તાલુકાના મોટા રાયપુરા ગામના નરેશભાઈ શંકરભાઈ વલવી પોતે પણ જોઈ શકતા નથી પરંતુ કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા મતદાન મથક પર બ્રેઈલ લિપી વાળું સાહિત્ય ઉપલબ્ધ કરાવી મતદાનની પ્રક્રિયા સરળ બનાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
દિવ્યાંગ મતદારોની સાથે સાથે જિલ્લામાં નોંધાયેલાં શતાયુ મતદારોમાં પણ મતદાન માટેનો અનેરો ઉત્સાહ જણાયો હતો. આઝાદી બાદ ૧૯૫૧-૫૨ થી આજદિન સુધી યોજાયેલી ગ્રામ પંચાયતથી લઇને વિધાનસભા-લોકસભાની તમામ ચૂંટણીઓમાં મતદાન કરનાર ગરૂડેશ્વર તાલુકાનાં બોરિયા ગામના ૧૦૧ વર્ષીય પાર્વતીબેન તડવી ભલે જોવા-સાંભળવા અને ચાલવામાં અશક્ત છે પણ તેમના પરિવારનાં સભ્યો સાથે બોરિયા ગામના મતદાન કેન્દ્ર ખાતે પહોંચીને મતદાન કર્યું હતું. અન્ય મતદારોને પણ અવશ્ય મતદાન કરવા માટેની અપીલ કરી રહ્યાછે

(12:24 am IST)