Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ભરૂચના વાગરામાં ચારેતરફ પાણીથી ઘેરાયેલા આલિયાબેટના 212 મતદારો માટે સૌપ્રથમ વખત ઘર આંગણે મતદાન કરાયું

પાણીથી ઘેરાયેલા ટાપુ ઉપર પ્રથમ વખત શીપીંગ કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઉભું

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટના 212 જેટલા મતદારો વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ઘરઆંગણે જ મતદાન કરી રહ્યાં છે. પાણીથી ઘેરાયેલા ટાપુ ઉપર પ્રથમ વખત શીપીંગ કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.

ચોતરફ નર્મદાના પાણીથી ઘેરાયેલા આલીયા બેટ પર વર્ષોથી કબીલાવાસીઓ વસે છે. અહીં વસતા 600 થી વધુ જત વસ્તી ધરાવતાં આ ટાપુમાં 212 જેટલા મતદારો છે. જેમના માટે અત્યાર સુધી ક્યારેય ચૂંટણી સમયે કોઈ વિશેષ વ્યવસ્થા કરાતી ન હતી.મતદાન માટે 82 કિ.મી. દૂર જવું પડતું હતું. જે માટે વિશેષ બસની વ્યવસ્થા કરાતી હતી.

આઝાદીના 75 વર્ષ બાદ પ્રથમ આલિયાબેટ ખાતે વિધાનસભા ચૂંટણી માટે મતદાન મથક ઊભું કરવાનું આયોજન કરાયું છે. આ વખતે પ્રથમ વખત અહીં શિપિંગ કન્ટેનરમાં અલાયદું મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જેની કેન્દ્રીય ચૂંટણી પંચે પણ નોંધ લીધી હતી. આલિયાબેટ ખાતે શિપિંગ કન્ટેનરમાં જત જાતિના મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યાં છે.

ભરૂચ જિલ્લા વિધાનસભામાં સમાવિષ્ટ તમામ વિધાનસભાઓમાં જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર એમ પ્રત્યેક મતદાન વિભાગમાં 7 મળીને કુલ 35 મતદાન મથકો ખાસ સખીમંડળ મથક તરીકે કાર્યરત કરાયા છે.

મહિલાઓ મતદાન કરવા પ્રેરણા મળે તે માટે ઉભા કરાયેલા સખી મતદાન મંડળો તેમજ ઈકો ફેન્ડલી મતદાન મથક પર વોલ પેઈન્ટિંગ કરી અનોખો ઓપ અપાયો છે. જેના ઉપર મહિલા મતદારો ઉત્સાહ ભેર મતદાન કરી રહ્યા છે.

(7:46 pm IST)