Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં નજીવી બાબતે થયેલ તકરારમાં યુવકની હત્યા કરનાર આરોપીને અદાલતે આજીવન કેદની સુનવણી કરી

અમદાવાદ: શહેરના દાણીલીમડા વિસ્તારમાં વર્ષ ૨૦૨૧માં નજીવી તકરારમાં યુવકની હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં અત્રેની સેશન્સ કોર્ટે આરોપી સાળા-બનેવીને જન્મટીપની આકરી સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે. સાળા-બનેવીને આજીવન કેદની સજા ફટકારતાં ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓએ નજીવી બાબતમાં યુવકની હત્યા કરી છે અને બંને આરોપીઓ સામેનો કેસ પ્રથમદર્શનીય પુરવાર થાય છે. ત્યારે આરોપીઓના હત્યાના આ પ્રકારના અપરાધને સહેજપણ હળવાશથી લઇ શકાય નહી. આરોપીઓ પરત્વે આવા ગંભીર ગુનામાં દયા ના દાખવી શકાય. આરોપી સાળા મહેન્દ્ર ઉર્ફે મહેશ રમેશભાઇ ડુંગરેલા અને બનેવી ભરત વારસીગભાઇ સોઢાને આ કેસમાં સખતમાં સખત સજા ફટકારવાની દલીલો કરતાં અધિક સરકારી વકીલ ભાવેશ પટેલે કોર્ટને જણાવ્યું હતું કે, ગત તા.૨૪-૪-૨૦૨૧ના રોજ શહેરના દાણીલીમડા વિસ્તારમાં નારણભાઇ પરમાર પોતાની પત્ની તથા દિકરી સાથે ઘર પાસે  બેઠા હતા. ત્યારે બિલાડીના બચ્ચા ત્યાં આવ્યા હતા. જેથી નારણભાઇએ બિલાડીના બચ્ચાને ઘર આગળથી કાઢયા હતા અને બચ્ચા તરફ જોઇ રહ્યા  હતા. ત્યારે તેમની પાડોશમાં રહેતો આરોપી મહેન્દ્ર ઉર્ફે મહેશ રમેશભાઇ ડુંગરેલા આ જોઇને થોડો ઉશ્કેરાયો હતો. આરોપી મહેશે નારણભાઇને જણાવ્યું કે, તમે મારી સામે શું જુઓ છો. મારા કે મારા ઘર સામે જોવાનું નહીં. આટલું કહ્યા બાદ ઝઘડો શરૂ કર્યો હતો. એટલામાં નારણભાઇનો દિકરો જગદીશ ત્યાં આવ્યો હતો અને તમામને સમજાવી છૂટા પાડી ઘરે મોકલ્યા હતા. જો કે, રાત્રે  મહેશનો બનેવી  ભરત વારસીંગભાઇ સોઢા ત્યાં આવ્યો હતો અને મહેશ સાથે કોણે ઝઘડો કર્યો તેમ કહી  માથાકુટ શરૂ કરી હતી. એ દરમ્યાન જગદીશ ફરી ત્યાં આવ્યો હતો. ત્યારે મહેશ અને ભરતે ત્રિકમનો લાકડાનો હાથો લઇ જગદીશને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. સરકાર તરફથી કેસના પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવાયું હતું કે, આરોપી સાળા-બનેવીએ બિલકુલ નજીવી તકરારમાં એક નિર્દોષ યુવકની હત્યા કરી છે. ત્યારે આવા લોકોમાં કાયદાનો ભય રહે અને સમાજમાં દાખલે બેસે તે હેતુને ધ્યાને રાખી આરોપીઓને સખતમાં સખત સજા ફટકારવી જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી સાળા-બનેવીને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી. 

(7:36 pm IST)