Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ચૂંટણીના પ્રથમ તબક્કામાં અંદાજીત 57.75 ટકા મતદાન : તાપી જિલ્લામાં સૌથી વધુ 72.32 ટકા

 સુરત તથા સૌરાષ્ટ્રની અનેક બેઠકો પર ત્રિકોણીય અથવા ચતુષ્કોણીય જંગ જામશે તેવો અંદાજો

અમદાવાદ : ગુજરાતમાં બે તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. શરૂઆતના કલાકોમાં મતદાન ધીરૂ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ મતદાન જામ્યું હતું. પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થયું છે ત્યાં આમ આદમી પાર્ટી દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. આમ આદમી ફેક્ટરને કારણે સુરત તથા સૌરાષ્ટ્રની અનેક બેઠકો પર ત્રિકોણીય અથવા ચતુષ્કોણીય જંગ જામશે તેવો અંદાજો નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વરમાં એક જ પરિવારના બંને સગા ભાઇઓ સામ સામે લડી રહ્યા છે. તો જામનગરમાં રિવાબા સામે તેમના નણંદે જ મોરચો ખોલ્યો હતો. અને તેમના વિરૂદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી. સુરતમાં પાટીદારોની જનસંખ્યા વધારે ધરાવતી કેટલીક બેઠકો પર કાંટે કી ટક્કર હોવાનું મનાઇ રહ્યું છે. ચૂંટણી પંચની સત્તાવાર મોબાઇલ એપ્લીકેશન મારફતે સાંજે 5.55 કલાકે મળતી માહિતી પ્રમાણે, પ્રથમ તબક્કામાં યોજાયેલા મતદાનમાં 57.75 ટકા મતદાન થયું છે.

પ્રથમ તબક્કામાં થયેલા મતદાનમાં સૌથી વધુ તાપીમાં 72.32 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે. તો બીજી તરફ ભાવનગર જિલ્લામાં 51.34 ટકા જ મતદાન નોંધાયું છે. જો કે, આ મતદાનની ટકાવારી પ્રાથમિક હોવાનો અંદાજ છે. આવનાર સમયમાં મતદાનની ટકાવારીને લઇને વધુ સ્પષ્ટતા સામે આવી શકે તેમ છે.

(6:39 pm IST)