Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રોજગાર અને તાલીમ ખાતાના સિનિયર કલાર્ક આર.એચ.ચૌહાણને નિવૃતિ વિદાય

ગાંધીનગર,તા. ૧ : રોજગાર અને તાલીમ ખાતાના સિનિયર ક્‍લાર્ક શ્રી આર.એચ.ચૌહાણ ૩૨ વર્ષની સુદીર્ઘ સેવાઓ આપી આજે વય નિવૃત્ત થયા છે. રોજગાર અને તાલીમ ખાતાના પરિવારના સૌ અધિકારી - કર્મચારીશ્રીઓએ શ્રી ચૌહાણને ભાવભરી વિદાય આપી હતી.

નિયામક શ્રી લલિત નારાયણસિંઘ સાંડુએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, અધિકારી-કર્મચારીને વય નિવૃત્તિનું અપાતું વિદાયમાન સૌ કાર્યરત અધિકારી-કર્મચારી માટે એક નવી શીખ પ્રદાન કરતો પ્રસંગ છે. નિવૃત્ત થઈ રહેલા કર્મચારીનો કોઈ એક સારો ગુણ પોતાનામાં કેળવવાનો આ દિવસ છે. આજે નિવૃત્ત થઈ રહેલા શ્રી આર.એચ.ચૌહાણે જે રીતે પોતાની નોકરીના સમગ્ર કાર્યકાળ દરમિયાન ઝીરો પેન્‍ડન્‍સી મંત્ર સાથે નોકરી કરી તે ગુણ સૌ કર્મચારીએ પણ આત્‍મસાત કરવો જરૂરી છે.

૩૨ વર્ષ અને ૭ માસની સેવા આપી ખાતામાંથી વિદાય લઈ રહેલા શ્રી આર.એચ.ચૌહાણે કહ્યું હતું કે, રોજગાર અને તાલીમ ખાતાના ૩૨ વર્ષના તેમના સેવા કાળ દરમિયાન તમામ અધિકારી/કર્મચારીઓનો ખૂબ જ સારો સહયોગ મળ્‍યો હતો, જેના પરિણામે આજે હું આ મારી ફરજો સુપેરે બજાવી શક્‍યો છું.

વિદાયમાન થતા શ્રી ચૌહાણને સૌ અધિકારી તથા સ્‍ટાફ મિત્રો દ્વારા શાલ ઓઢાડીને તથા શ્રીફળ અને મોમેન્‍ટો આપીને બહુમાન કરાયું હતું. રોજગાર અને તાલીમ ખાતાની વડી કચેરીના તમામ અધિકારી કર્મચારીશ્રીઓએ નિવૃત્ત થતા શ્રી ચૌહાણને  શુભેચ્‍છાઓ આપી હતી.

આ પ્રસંગે નિયામક લલિત નારાયણસિંઘ સાંડુ, અધિક નિયામક વી.આર. સક્‍સેના, નાયબ નિયામક આર.આર.પટેલ, એન. એ.પટેલ, ધૃતિબેન જોશી, મદદનીશ નિયામક ટી. એન.ભાવસાર, જીજ્ઞાબેન પુરોહિત, એ.સી. પલાસ, કે.બી.પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. 

(5:03 pm IST)