Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ગોંડલ નહીં ગુજરાતની વાંસદા બેઠક પર લોહિયાળ બન્‍યો સંઘર્ષ : ટોળાએ ભાજપ ઉમેદવારનું માથું ફોડી નાખ્‍યું

ભાજપ ઉમેદવારે આક્ષેપ કર્યા છે કે કોંગી ઉમેદવાર કહેવા પર તેમના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્‍યો

નવી દિલ્‍હી તા. ૧ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્‍યું છે. તેવામાં વાંસદા બેઠકના ઝરી ગામે ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલ પર અજાણ્‍યા ટોળાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્‍યું છે. આ તરફ ભાજપ ઉમેદવાર આક્ષેપ કર્યા છે કે,  કોંગી ઉમેદવાર અનંત પટેલના કહેવા પર તેમના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્‍યો છે. નોંધનીય છે કે, બે મહિના પહેલાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર પણ હુમલો થયો હતો.

ગઇકાલે રાત્રે ૨.૩૦ વાગ્‍યા આસપાસ ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલ ચીખલીથી પોતાના ઘરે જઈ પ્રતાપનગરથી વાંદરવેલા તરફ જઈ રહ્યા હતા. આ દરમ્‍યાન રસ્‍તામાં ઝરી ગામ નજીક તેમની ગાડીને અજાણ્‍યા લોકોએ રોકી હતી. અનંત પટેલ સામે ઊભો રહી ચૂંટણી લડે છે, આદિવાસી નેતા બનવા જાય છે કહીને ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલ પર સામે આક્રોશ વ્‍યક્‍ત કરી હુમલો કર્યો હતો.

ગઇકાલે રાત્રે બનેલી ઘટનામાં ગાડીના કાચ તૂટવામાં આવતા પીયૂષ પટેલના માથામાં ઇજાઓ પહોંચી હતી. જરી ગામે ટોળાએ ઘેરી લેતા ઘટનાસ્‍થળે પીયૂષ પટેલના સમર્થકો પણ દોડી આવ્‍યા હતા, જેના કારણે ઘર્ષણ વધતાં ટોળાએ ભાજપના ઉમેદવાર અને તેમના સમર્થકોની કાર પર હુમલો કર્યો હતો. પીયૂષ પટેલની કાર પર લાકડા તેમજ અન્‍ય સાધનો વડે હુમલો કરતાં તેમણે બચવાનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં કારનો કાચ તૂટતાં પીયૂષ પટેલના માથામાં ઇજા પહોંચી હતી.

પીયૂષ પટેલ ઘટનાસ્‍થળેથી વાંસદા પોલીસ સ્‍ટેશનને પહોંચી ઘટનાની જાણ પોલીસને કરી હતી. આ સાથે પિયુષ પટેલ વાંસદા કોટેજ હોસ્‍પિટલમાં સારવાર અર્થે હાલ દાખલ થયા હતા  તેમના માથામાં બે ટાંકા લેવા પડ્‍યા હોવાનું પણ સામે આવ્‍યું છે.  આ ઘટનાની જાણ થતાં વાંસદા પોલીસ સહિત જિલ્લાના નાયબ પોલીસ અધીક્ષક સહિતનો કાફલો વાંસદા દોડી આવ્‍યો હતો.

મહત્‍વનું છે કે, બે મહિના પહેલાં વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ ખેરગામમાં કેટલાક ઈસમો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્‍યો હતો. ગાડીમાંથી તેમની ખેંચીને બહાર કાઢવામાં આવ્‍યા હતા અને આંખના ભાગે તેમના પર હુમલો કરવામાં આવ્‍યો હતો. અનંત પટેલે કહ્યું હતું કે, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્‍ય કેટલાંક ગુંડાતત્ત્વોએ મને રોકી હુમલો કર્યો હતો.

(4:32 pm IST)