Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

અમદાવાદના અસારવા સીવીલ હોસ્પિટલનો બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો:નેગેટિવ વૃદ્ધાને કોવીડ વોર્ડમાં રાખવાથી મૃત્યુ નીપજ્યું

અમદાવાદ: શહેરની અસારવા સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અસારવા વિસ્તારમાં જ રહેતા એક ૭૫ વર્ષીય વૃદ્ધાનો અર.ટી.-પી.સી.આર. ટેસ્ટ નેગેટિવ હોવા છતાં તેમને કોવિડ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. વૃદ્ધાના પરિવારજનોનો આક્ષેપ છે કે તેમણે તબીબોને ઘણી વિનંતી કરી હતી કે વૃદ્ધાને અન્ય વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવે પરંતુ તેમની રજૂઆત સાઁભળવામાં આવી નહોતી. પરિવારજનોનો આક્ષેપ છે કે કોવિડ વોર્ડમાં નજર સામે કોરોના દર્દીઓના ટપોટપ મોત જોઇને ડર અને આઘાતના કારણે વૃદ્ધાનું મૃત્યુ થયું છે.

કોવિડ હોસ્પિટલમાં ૨૦મી નવેમ્બરના રોજ આર.ટી.-પી.સી.આર. ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ૨૧મીના રોજ આ રિપોર્ટ નેગેનિવ આવ્યો હતો. જેથી ઇન્દિરાબહેનના પરિવારજનોએ વિનંતી કરી હતી કે તેમને કોવિડ આઇ.સી.યુ. વોર્ડમાંથી અન્ય વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવે. જો કે હોસ્પિટલ તંત્રએ આ વાતને ગણકારી ન હોવાનો પરિવાજનોનો આક્ષેપ છે. પરિવારજનોનો આક્ષએપ છે કે કોવિડ આઇ.સી.યુ.માં નજર સામે કોરોના દર્દીઓના ટપોટપ મૃત્યુ જોઇને ૨૯મીના રોજ વૃદ્ધાનું અવસાન થયું છે.

(5:39 pm IST)