Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ભાજપ ચાલુ માસે સંગઠન માળખું જાહેર કરે તેવી વકી

૭૦-૮૦ ટકા નવા ચહેરાઓને સ્થાન મળે તેવી ચર્ચા : પ્રદેશ અધ્યક્ષ પાટીલે જિલ્લા પ્રમુખોની નિમણૂંક કર્યા બાદ હવે જિલ્લા સંગઠનમાં નિમણૂંકની પ્રક્રિયા હાથ ધરી

ગાંધીનગર,તા.૧ : ગુજરાત પ્રદેશ ભાજપની કમાન સંભાળ્યા બાદ નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જિલ્લા પ્રમુખોની નિમણૂક કર્યા બાદ હવે જિલ્લા સંગઠનમાં નિમણૂકની પ્રક્રિયા હાથ ધરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ૧૮ જિલ્લાઓની નિમણૂક પૂર્ણ થઈ છે. હવે આગામી એક સપ્તાહમાં સૌરાષ્ટ્ર સહિત બાકીના તમામ જિલ્લાઓની નિમણૂક પૂર્ણ કરી દેવામાં આવશે. મિશન ૧૮૨ અંતર્ગત સીઆર પાટીલ તરફથી જિલ્લા પ્રમુખમાં માત્ર છ ચહેરાઓને જ રિપિટ કરવામાં આવ્યા છે. તો એક વ્યક્તિ એક મુદ્દાની વાત પણ તેમની જિલ્લા પ્રમુખોની પસંદગીમાં જોવા મળી હતી. હવે આગામી દિવસોમાં પ્રદેશ ભાજપના માળખું જાહેર થવા જઈ રહ્યું છે. જેમાં પણ ૭૦થી ૮૦ ટકા નવા ચહેરાઓને સ્થાન મળે તેવી વાત ભાજપના સૂત્રો કહી રહ્યા છે. તમામ જિલ્લા અને મહાનગરોના સંગઠન પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપની ચિંતન બેઠક મળશે, ત્યારબાદ પ્રદેશ સંગઠનની જાહેરાત કરવામાં આવશે.

          ભાજપના આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે કે પ્રદેશ મહામંત્રીની રેસમાં સૌરાષ્ટ્રમાંથી ગોરધન ઝડફિયા, મધ્ય ગુજરાતમાંથી ભાર્ગવ ભટ્ટ, ઉત્તર ગુજરાતમાંથી રજની પટેલ અથવા ઋષિ પટેલ સામેલ છે. દક્ષિણ ગુજરાતમાંથી કોઇ નવો ચહેરો આવે તેવી શકયતા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સીઆર પાટીલ તરફથી તાજેતરમાં જ ૩૨ જિલ્લા અને સાત શહેર માટે પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેર, જૂનાગઢ જિલ્લા, સાબરકાંઠા, કચ્છ, તાપી અને નર્મદા એમ છ પ્રમુખોને રિપીટ કરવામાં આવ્યા છે. સાથે ૩૩ નવા ચહેરાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ૯૦ ટકા ચહેરાઓ બદલાયા છે. આ પ્રમુખોમાં અમદાવાદ જિલ્લા, સુરત, વડોદરા રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, વગેરે જેવા શહેરોની સાથે જિલ્લાનાં પ્રમુખો પણ બદલાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ પહેલાં ૩૯ નવા પ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી હતી.

(7:45 pm IST)