Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

બુધ્ધિમાન સાધક પરમાત્મા પાસે કલ્યાણ માટે પ્રાર્થના કરતો હોય છેઃ શાસ્ત્રી ભુપેન્દ્રભાઇ પંડયા

અમદાવાદમાં ઇન્દ્રવદનભાઇ મોદી અને શીલાબેન મોદીની પુણ્ય સ્મૃતિમાં કેડિલા ફાર્મા દ્વારા આયોજીત શ્રીમદ્ ભગવત ગીતા કથાનો વિરામ

રાજકોટ તા. ૧ :.. અમદાવાદમાં કેડિલા ફાર્મા દ્વારા કથાકાર શાસ્ત્રી ભુપેન્દ્રભાઇ પંડયાના વ્યાસાસને શ્રીમદ્ ભગવદ ગીતા કથાનું સાત દિવસીય આયોજન કરવામાં આવ્યુ હતું.

કેડિલા ફાર્મા દ્વારા ઇન્દ્રવદનભાઇ મોદી અને શીલાબેન મોદીની પુણ્યસ્મૃતિમાં આયોજીત શ્રીમદ્ ભગવદ ગીતા જ્ઞાનયજ્ઞમાં વિરામના દિવસે કથાકાર ભુપેન્દ્રભાઇ પંડયાએ કહયું હતું કે, કેવળ વ્યકિતરૂપ માનનારા લોકો ક્રિયાકાંડાત્મક મૂર્તિ પૂજામાં જ સાધનાની સંપૂર્ણતા માને છે. સગુણ, સાકારની ઉપાસના ચિત એકાગ્રતા માટે સચોટ સાધના છે પરંતુ ભગવાનને વ્યકિતરૂપ માનનારાઓએ વ્યકિતઓને જ ભગવાન બનાવી દઇ અગણિત સંપ્રદાયો ઉભા કર્યા છે. એમની સંકુચિત મનોદશા અને વાડાબંધીના કારણે અસંખ્ય ભોળા ભકતો ભટકી જાય છે અને પરમાત્માના દિવ્ય અનુભવથી વંચિત રહીજાય છે.

જયારે બીજી બાજુ જેમનાં પાપ નષ્ટ થયા છે, પુણ્યનો ઉદય થઇ રહ્યો છે એવા સાધકો રાગ દ્વેષ જેવા દ્વંદાત્મક વિકારોથી મુકત થઇને દ્રઢ નિશ્ચયપૂર્વક પરમાત્માનો આશ્રય લઇ કે શરણ સ્વીકારી જન્મ-મૃત્યુના ચકરાવામાંથી છૂટવા માટે પ્રયાસ કરે છે. તેઓ જ સંપૂર્ણ અધ્યાત્મે જાણીને પ્રભુકૃપા પ્રાપ્ત કરે છે. આમ ભગવાન શ્રી કૃષ્ણે શાસ્ત્રો અને વિદ્વાન સંતો પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી, જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ ધરાવીએ સિધ્ધાંતો ઉપર આચરણ કરી અમૃતફળ પ્રાપ્ત  કરી આનંદની ઉપલબ્ધી કરવાનો માર્ગ બતાવ્યો છે.

શાસ્ત્રી ભુપેન્દ્રભાઇ પંડયાએ વધુમાં કહ્યું કે, 'પરમાત્માના કોઇ પણ સફળ સ્વરૂપની આરાધના માટે શ્રધ્ધા અત્યંત આવશ્યક છે. ઇચ્છિત કામના પૂરી કરવા માટે મનુષ્ય ગમે તે દેવતાની ઉપાસના કરે, પરંતુ તેને શ્રધ્ધાને આધારે ફળ તો પરમાત્મા જ આપતા હોય છે. વસ્તુતઃ દેવતાઓના વિવિધ સ્વરૂપ અંતે તો એક જ પરમ તત્વની અભિવ્યકિત છે.'

વધુમાં તેમણે જણાવ્યું કે, ફળની માત્રા કર્મ કરનારની બુધ્ધિની મર્યાદા ઉપર આધારિત હોય છે. અલ્પ બુધ્ધિ મનુષ્ય પોતાની યોગ્યતાથી વધુ વિચાર, કર્મ કે ફળની અપેક્ષા રાખી શકતો નથી. તેનું કારણ એની બુધ્ધિ મર્યાદા છે. બુધ્ધિહીન વ્યકિત ઇશ્વર પાસે શરૂઆતમાં ગલગલીયાં કરાવે પરંતુ પાછળથી પરેશાન કરે એવા વિષયોની માગણી કરે છે. અલ્પબુધ્ધિ મનુષ્ય ઇશ્વર પાસે ભૌતિક સુખ - સુવિધઓની અપેક્ષા રાખતો હોય છે, જયારે બુધ્ધિમાન સાધક પરમાત્મા પાસે કલ્યાણ માટે પ્રાર્થના કરતો હોય છે.

(11:48 am IST)