Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

સુરત : પૂંઠા બનાવતી ત્યક્તાને GST વિભાગે પાઠવી રૂ 1.50 કરોડની નોટિસ

છેલ્લા ત્રણ મહિનાથી આ મહિલા જીએસટી વિભાગના પગથિયાં ઘસીને થાકી :તેને કોઈ વેપાર ધંધો કર્યો નથી તો ટેક્સની નોટિસ ક્યાંથી આવી.

સુરત: સેન્ટ્રલ જીએસટી વિભાગે નોકરી કરી જીવનની વાત કરતી મહિલાને દોઢ કરોડ રૂપિયાની વસૂલાત માટે નોટિસ મોકલતાં મહિલાની હાલત કફોડી થઈ છે. જીએસટી વિભાગે ટેક્સની બાકી રકમ ચૂકવવા માટે નોટિસ આપી છે. જ્યારે મહિલાનું કહેવું છે કે તેને કોઈ વેપાર ધંધો કર્યો નથી તો ટેક્સની નોટિસ ક્યાંથી આવી. છેલ્લા ત્રણ મહિનાથી આ નોકરિયાત મહિલા જીએસટી વિભાગના પગથિયાં ઘસી ને થાકી ગઈ છે પરંતુ તેનો કોઇ નીવડો નહી આવતા હતાશ થઈ ગઈ છે.

સુરતના સ્ટેશન વિસ્તારમાં પ્રિયંકા સીટી ગોલ્ડમાં રહેતી રાધિકા મિસ્ત્રી પતિથી અલગ રહી સંતાન સાથે રહે છે. રાધિકા પૂંઠાનું છૂટક કામ કરી પોતાના પરિવારજનો નું ગુજરાન ચલાવે છે.ત્રણ માસ પહેલા જીએસટી વિભાગ દ્વારા એક નોટિસ આપવામાં આવી હતી .આ નોટિસમાં રૂપિયા દોઢ કરોડનો જીએસટી ભરવા માટે જણાવવામાં આવ્યું હતું.

નોટિસ મળતા જ રાધિકા પહેલા તો ચોકી ઉઠી હતી. બાદમાં રાધિકા જીએસટી ઓફિસે ગઈ હતી. જોકે ત્યાં તેની કોઈ પણ વાતને સાંભળવામાં આવી ન હતી. છેલ્લા ત્રણ માસ થી રાધિકા જીએસટી વિભાગના ધક્કા ખાઈ રહી છે તેમ છતા કોઇ પણ અધિકારી દ્વારા તેની વાત સાંભળવામાં આવી નથી.

જ્યારે તે ઓફિસ ગઈ ત્યારે જીએસટી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે તમારે ટેક્ષ ભરવો પડશે ,તમારા નામે ટેક્સ બાકી બોલે છે .ઘરની લે-વેચનો બિઝનેસ તમારા બેંક એકાઉન્ટમાં થયો છે તેથી દોઢ કરોડનો ટેક્સ ચૂકવવો પડશે.જો કે મહિલાએ પહેલે થી છેલ્લે સુધી એક જ વાત કહી રહી છે કે તેની પાસે દોઢ લાખ રૂપિયા નથી તો દોઢ કરોડ ક્યાંથી ચૂકવશે.

(11:56 pm IST)