Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

ઘોર બેદરકારીને પગલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ "લૉ"ની ઓનલાઇન પરિક્ષા લેવાની મનાઈ ફરમાવી

કયારેક કોઈ વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ મેળવે ત્યાં 300 300 જેટલા વિદ્યાર્થીઓએ ફર્સ્ટ કલાસ અને ડિસ્ટીકશન મેળવ્યું : પરીક્ષા વિભાગની બેદરકારી કારણભૂત

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી દ્ધારા લેવાયેલી કાયદા વિભાગની પરિક્ષામાં ઈતિહાસ રચાયો છે. લૉ ડિપાર્ટમેન્ટની એક્ઝામમાં ક્યારેક જ કોઈ વિદ્યાર્થી ફર્સ્ટ કલાસ મેળવે છે, પરંતુ આ વર્ષે ઓનલાઈન પરિક્ષા આપનારા 300 જેટલા વિદ્યાર્થીઓએ ફર્સ્ટ કલાસ અને ડિસ્ટીકશન મેળવ્યું છે. યુનિવર્સિટીના પરિક્ષા વિભાગે  દાખવેલી ઘોર બેદરકારીના કારણે અન્ય વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. કોરાના મહામારીના કારણે આ વર્ષે સેમેસ્ટર 2, 4 અને 6ની ઓનલાઈન તેમજ ઓફલાઈન પરિક્ષા લેવામાં આવી હતી.

કાયદા વિભાગની ઓનલાઈન પરિક્ષામાં રેર્કોડ બ્રેક પરિણામ આવતા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા પણ ચોંકી ગયું છે. ઈતિહાસ સર્જે તેવું રિઝલ્ટ આવતાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ગુજરાત યુનિવર્સિટીના કાયદા વિભાગને સરક્યુલર પાઠવી ભવિષ્યમાં ક્યારેય પણ ઓનલાઈન એક્ઝામ નહીં લેવા જણાવ્યું છે.

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીએ પણ હવે ઓનલાઈન એક્ઝામ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઈન અને ઓફલાઈન પરિક્ષાના પરિણામમાં ઘણો મોટો તફાવત આવતો હોવાથી આ નિર્ણય લેવાયો છે. આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં લેવાનારી પરિક્ષાઓ ઓફલાઈન રહેશે.

કાયદા વિભાગે ઓનલાઈન એક્ઝામ માટે તૈયાર કરાયેલા પેપરમાં એમસીક્યૂ આપ્યા હતા. ચાર ઓપ્શનમાંથી એક સાચો જવાબ પસંદ કરવાની પદ્ધતિનો કેટલાક વિદ્યાર્થીઓએ ગેરલાભ લીધો હતો. ઓનલાઈન એક્ઝામ સમયે પ્રશ્ન તેમજ ઓપ્શન મોટેથી વાંચે જે કોમ્પ્યુટરની પાછળ ઉભેલો શખ્સ ઈશારાથી અથવા તો ધીમા અવાજે જવાબ જણાવી દે. કેટલાક વિદ્યાર્થીઓએ ગેરરિતીની આ પદ્ધતિ અપનાવી હતી.

યુનિવર્સિટીના પરિક્ષા વિભાગે ઓનલાઈન એક્ઝામ તટસ્થ રીતે લેવાય તે માટે ઘણા બધા નિયમો જાહેર કર્યા હતા. જો કે, પરિક્ષા માટે નક્કી કરાયેલા નિયમોમાંથી એકપણનું પાલન નહીં થયું હોવાની ચર્ચા છે. ઓનલાઈન પરિક્ષામાં એકપણ વિદ્યાર્થીની ગેરરિતી સામે આવી નથી. વાસ્તવમાં પરિક્ષા વિભાગે નિયમો તો બનાવ્યા હતા, પરંતુ તેનો અમલ જરા સરખો પણ થયો નથી.

ગુજરાત યુનિવર્સિટીના કાયદા વિભાગના વડા આર. વી. મહેતા કહે છે, વિદ્યાર્થીઓના હિત માટે ઓનલાઈન એક્ઝામ લેવાઈ હતી. જો, પરિક્ષા ના લેવાઈ હોત તો કેટલાય વિદ્યાર્થીઓનું વર્ષ બગડે તેમ હતું. આ ઉપરાંત એલએલબીનો અભ્યાસ પૂર્ણ ના થાય તો  એલએલએમની  એડમિશન પ્રક્રિયા ખોરંભે પડે તેમ હતી.

(10:08 pm IST)