Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

રાજ્યમાં પેટા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત :રાજકીય પાર્ટીઓએ ગરમાવો લાવવા પ્રયાસ કરવા છતાં કોરોનાને કારણે માહોલ ઉભો કરવો કઠીન બન્યો

સર્વે મતદાતા મતદાન અવશ્ય કરે એકપણ મતદાર બાકી ન રહે તેની પણ ખાસ કાળજી લેવા સી,આર,પાટીલની અપીલ

અમદાવાદ : ગુજરાતની આઠ પેટાચૂંટણી તા. 3જી નવેમ્બરના રોજ યોજાવાની છે. આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડયા હતા. આ વખતે કોરોનાની મહામારીના કારણે ચૂંટણીનો માહોલ ઊભો કરવામાં રાજકીય પક્ષો માટે લોઢાના ચણાં ચાવવા સમાન બની ગયો હતો. આક્ષેપ પ્રતિઆક્ષેપ કરીને બંને રાજકીય પક્ષોએ ગરમાવો લાવવાનો પ્રયાસ કર્યો હતો. બે દિવસ બાદ 3જી નવેમ્બરના રોજ મંગળવારે મતદાન થશે. આ મતદાનના દિવસે ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થઇ જશે. ત્યારે જોવાનું એ રહે છે કે, કોણ કેટલી બેઠક લઇ જશે તેનો નિર્ણય મતદાતાઓ દ્રારા કરવામાં આવશે.

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેના માર્ગદર્શક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી આગામી ૩જી નવેમ્બરે યોજાવા જઇ રહી છે અને તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સૌ કાર્યકર્તાઓ શુભેચ્છકો ઘણા સમયથી આ પેટાચૂંટણી માટે મહેનત અને પરિશ્રમ કરી રહ્યા છે. ચૂંટણીએ લોકશાહીનું પર્વ છે અને લોકશાહીનો આધાર મતદાન છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતને મજબુતાઇ બક્ષવામાં અને લોકશાહી પ્રણાલીને મજબુત કરવામાં મતદાતાઓનું યોગદાન મહત્વનું હોય છે.

3 જી નવેમ્બરે સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ જશે. તેઓએ સૌ કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને મતદારોને અપીલ કરી હતી કે સૌ મતદાર ભાઈઓ અને બહેનો સવારે મતદાનના આરંભે જ મતદાન કરવાનો આગ્રહ રાખે અને પરિવારના સર્વે મતાધિકાર ધરાવતા સભ્યો સમયસર મતદાન કરે તે બાબતો જરૂરથી સુનિશ્ચિત કરવી. આ ઉપરાંત સર્વે મતદાતા મતદાન અવશ્ય કરે એકપણ મતદાર બાકી ન રહે તેની પણ ખાસ કાળજી લેવી.

આ ચુંટણી ગુજરાત અને દેશના વિકાસ અને ઉજ્વળ ભવિષ્ય માટે ખૂબ જ મહત્વની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે નિષ્ઠા અને પ્રતિબદ્ધતાથી સમગ્ર દેશમાં સર્વાંગી વિકાસ થાય એ માટે સર્વ સ્પર્શી કલ્યાણકારી યોજનાઓ અને નીતિઓનો અમલ કરી રહ્યા છે.

વધુમાં પાટીલે જણાવ્યું હતું કે, રાજ્યમાં મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી પટેલના નેતૃત્વ હેઠળની ભાજપા સરકાર ખેડૂત, યુવાઓ, મહિલાઓ, શ્રમિકો, વંચિતો અને ગરીબ લક્ષી અનેક પ્રજાલક્ષી યોજનાઓના અમલ સાથે પ્રજા કલ્યાણ અને રાજ્યના વિકાસ પથને સુપેરે આગળ ધપાવી રહ્યા છે.

આ ચુંટણી એ પ્રધાનમંત્રી  મોદી અને મુખ્યમંત્રી રૂપાણીના હાથ વધુ મજબૂત કરવા માટેનો એક અમૂલ્ય અવસર છે. છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચે, દેશના વિકાસ પથ પર સૌ કોઈ સમ્મિલિત થાય અને ” સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ” ધ્યેય મંત્ર ચરિતાર્થ થાય તે માટે ભાજપા હંમેશા કટિબદ્ધ હોય છે. ભાજપાના આ સંકલ્પ અને નેમ માં સૌ મતદારો પણ પોતાનો સહયોગ સુનિશ્ચિત કરે અને રાષ્ટ્ર નિર્માણના યજ્ઞમાં સહયોગી બને તે અત્યંત આવશ્યક છે.

(10:01 pm IST)