Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

દિવાળી વેકેશન વહેલું શરૂ થતાં બીજુ શૈક્ષણિક સત્ર લંબાશે

બીજુ શૈક્ષણિક સત્ર ૪૦ દિવસ લાંબુ હશે : ચાલુ વર્ષમાં ૨૧ દિવસનું વેકેશન બે અઠવાડિયા વહેલું શરૂ થયું : ધોરણ ૯-૧૨ માટે સ્કૂલો ખોલવાની વિચારણા

અમદાવાદ, તા. ૧ : આ વર્ષે ગુજરાતની સ્કૂલોમાં બે અઠવાડિયા વહેલું દિવાળી વેકેશન આપી દેવામાં આવ્યું છે. આ વખતે ૨૯ ઓક્ટોબરથી ૧૮ નવેમ્બર સુધી દિવાળી વેકેશન છે. આમ કરવા પાછળનું મુખ્ય કારણ છે કે, સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબુ રાખવા માગે છે. બીજું સત્ર ૧૫૦-૧૫૫ દિવસથી વધુ લાંબુ હશે, જેથી આગળના સત્રમાં જે સમય વેડફાયો તેની ભરપાઈ કરી શકાય. ગુજરાત સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ ૯-૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવાની વિચારણા કરી રહી છે. સ્કૂલો ખુલ્યા પછી આંતરે દિવસે વિદ્યાર્થીઓને બોલાવામાં આવી શકે છે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાય છે તે આવતા વર્ષે મે મહિનામાં યોજાય તેવી શક્યતા છે, તેમ સૂત્રોનું કહેવું છે. સૂત્રએ વધુમાં કહ્યું, અન્ય ધોરણોની વાર્ષિક પરીક્ષા જે એપ્રિલમાં લેવાતી હતી તે જૂન ૨૦૨૧માં લેવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત મહિનાથી સ્કૂલો અને કોલેજો બંધ, વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ લેવામાં આવે છે અને પરીક્ષા પણ ઓનલાઈન થાય છે.

ગુજરાત સ્ટેટ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું, '૫૦ વર્ષમાં પહેલીવાર દિવાળી વેકેશન તહેવારોના બે અઠવાડિયા પહેલા શરૂ થયું છે. આ સૂચવે છે કે દિવાળી પછી સ્કૂલો ખુલી શકે છે.' ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સંલગ્ન શાળાઓનું શૈક્ષણિક વર્ષ સામાન્ય રીતે બે સત્રમાં વહેંચાયેલું હોય છે. પહેલું સત્ર જૂન મહિનામાં શરૂ થાય છે અને ૧૦૫ દિવસનું હોય છે. આ સત્ર ૨૧ દિવસના દિવાળી વેકેશન સાથે પૂરું થાય છે. સામાન્ય રીતે ૨૧ દિવસનું વેકેશન દિવાળીના બે-ત્રણ દિવસ પહેલા શરૂ થાય છે અને દેવ દેવાળીની આસપાસ પૂરું થાય છે. સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના ઉપપ્રમુખ જતીન ભરાડે કહ્યું, *સરકારે દિવાળી વેકેશનની જે તારીખો જાહેર કરી છે તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે, તેમણે બીજું સત્ર ૪૦ દિવસ જેટલું લાંબુ રાખવાની યોજના બનાવી છે. શહેરી વિસ્તારોમાં ઓનલાઈન ક્લાસ સરળતાથી ચાલતા હશે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં કનેક્ટિવિટી સહિતની અન્ય સમસ્યા વિદ્યાર્થીઓને નડી રહી છે.* જતીન ભરાડના મતે દિવાળી વેકેશન પછી સ્કૂલો ખુલી શકે છે. અભ્યાસક્રમમાં ૩૦ ટકા ઘટાડો જાહેર કર્યા પછી સરકાર સ્કૂલોમાં કોર્સ પૂરો થાય તે માટે બધી બાજુથી પ્રયાસ કરી રહી હોય તેમ લાગે છે.

(9:55 pm IST)