Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

સોમા ગાંડાએ પૈસા લઇ રાજીનામુ આપ્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશનનો વિડિયો જાહેર કર્યો : ભાજપ પ્રેરિત ભ્રષ્ટાચારનું આ ઉદાહરણ : રાજ્યસભાની ચૂંટણી પૂર્વે રૂપિયાના જોરે રાજીનામા પડ્યાનો ઉલ્લેખ

અમદાવાદ, તા. ૧ : ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી ૩ નવેમ્બરે યોજાવાની છે. તે પહેલા કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશનનો એક વિડીયો જાહેર કરી ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. કોંગ્રેસના લીંબડી બેઠકના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ ગાંડાભાઈ પટેલનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં સોમાભાઈ પટેલ કથિત રીતે કોઈ અજાણી વ્યક્તિ સાથે હિંદીમાં વાત કરી રહ્યા છે અને ભાજપે ધારાસભ્યોને રૂપિયા આપીને ખરીદવામાં આવ્યા હોવાનું કહી રહ્યા છે. આ વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, આ વિડીયોથી સ્પષ્ટ છે કે, કઈ રીતે સોમાભાઈ રૂપિયા લઈને રાજીનામું આપવાની વાત સ્વીકારે છે .ભાજપ પ્રેરિત ભ્રષ્ટાચારનું આ ઉદાહરણ છે, જેમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા રૂપિયાના જોરે રાજીનામા પડ્યા હોવાનો ઉલ્લેખ છે. તેમણે કહ્યું કે, આ ઘટનાની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે, 'કરોડો રૂપિયા આપી રાજીનામા અપાવાયા છે. આ સોદાભાજીમાં આખી પ્રક્રિયામાં ડીલ કરવામાં રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને અમિત શાહ, આ ત્રણેયના નામનો સ્પ્ટ ઉલ્લેખ થયો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, ભાજપ દ્વારા જ્યારે તેમના કાર્યો અને નીતિથી પ્રજા વચ્ચે જઈ શકાતું નથી, ત્યારે ભ્રષ્ટાચારથી ભેગા કરેલા રૂપિયાથી આ રીતે સોદાબાજી થાય છે.' તેમણે કહ્યું કે, આ મામલે આ ત્રણેય સામે એસીબી એક્ટ હેઠળ અને મનીલોન્ડ્રિંગના કેસ થવા જોઈએ અને તપાસ કરી ભવિષ્યમાં આવું ન થયા તે માટે તાત્કાલિક તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

આ મામલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ભાજપે રૂપિયાઅને ટિકિટના જોરે ધારાસભ્યોને ખરીદ્યા છે. સોમાભાઈ સાથે ફક્ત રૂપિયાની ડીલ થઈ હશે, ટિકિટની નહીં થઈ હોય. એટલે, તેમને ટિકિટ નહીં આપી હોય અને અન્ય ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, સોમાભાઈને કોઈ બોર્ડ નિગમના ચેરમનેન પદની ઓફર કરવામાં આવી હશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. જેના જવાબમાં સીઆર પાટિલે કહ્યું હતું કે, સોમાભાઈએ રાજીનામું આપ્યું ત્યારે તેઓ પ્રમુખ નહોંતા એટલે તેમની તેમાં સંડોવણીનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. તેમણે કહ્યું કે, 'પાર્ટીના પ્રમુખ તરીકે હું સ્પષ્ટ માનું છું કે, આ વ્યક્તિ સોમાભાઈ હોય તો પણ કોંગ્રેસે તેમનો ચહેરો દેખાય તેવો વિડીયો વાયરલ કરવો જોઈએ. અમિતભાઈએ કોળી સમાજના એક મોટા આગેવાનને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. અમિતભાઈએ કોળી સમાજની માફી માગવી જોઈએ. ગુજરાતની માફી માગવી જોઈએ.' તેમણે કહ્યું કે, કોંગ્રેસ આત્મમંથન નથી કરતી, એટલે જ ૨૫ વર્ષથી હારી રહી છે અને આગામી ૨૫ વર્ષ પણ હારે તેવી શક્યતા છે.

સ્ટિંગ ઓપેરશનનો જે વિડીયો વાયરલ થયો છે, તેમાં સ્ટિંગ કરનારી વ્યક્તિ પૂછી રહી છે કે, ભાજપવાળા શું આપશે અત્યારે. તેના જવાબમાં કથિત રીતે સોમાભાઈ કહી રહ્યા છે કે, એ તો બધું થઈ ગયું. એક જગ્યાએ સ્ટિંગ કરનારા તેમને પૂછે છે કે, રાજીનામું આપ્યું તો બે-પાંચ કરોડ આપ્યા હશે. તેના જવાબમાં સોમાભાઈ કહે છે કે, એ તો બધાને આપ્યા તે મને આપ્યા. સ્ટિંગ કરનારી વ્યક્તિ જ્યારે તેમને કહે છે કે ,૧૫-૨૦ કરોડ આપ્યાની ચર્ચા છે, તો સોમાભાઈ કહે છે કે, કોઈને ૧૦ કરોડથી વધુ નથી આપ્યા. ભાજપમાંથી કોણ વાતચીત કરી રહ્યું છે, ડીલ? તેવા પ્રશ્નના જવાબમાં સોમાભાઈ કહેતા સંભળાઈ રહ્યા છે કે, સીએમ સાથે... અને પ્રદેશ અધ્યક્ષ... નવા કોણ આવ્યા... એ મારા મિત્ર છે... સ્ટિંગ કરનારા જ્યારે તેમને પૂછે છે કે, તેમની સાથે ડીલ ચાલી રહી છે, તો સોમાભાઈ બંને સાથે ડીલ ચાલી રહી હોવાનો જવાબ આપે છે.

(8:38 pm IST)