Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા સ્કૂલોને ભયજનક ઘોષિત કરી બંધ કરવાનું ષડ્યંત્ર

ભાડાની મિલકતમાં ચાલતી સ્કૂલોને ભયજનક ઘોષિત કરી મૂળ માલિકને આપવાનો કારસો: સ્કૂલ બોર્ડ સભ્ય ઈલિયાસ કુરેશીનો આરોપ

અમદાવાદ: રાજ્ય સરકાર દિવાળી પછી ગુજરાતની તમામ સ્કૂલો ખોલવાની વિચારણા કરી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિ.ના સ્કૂલ બોર્ડ દ્વારા ખોટી રીતે સ્કૂલોને ભયજનક ઘોષિત કરી બંધ કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું હોવાના ગંભીર આક્ષેપ થયો છે, અમદાવાદ શહેરમાં આઠ સ્કૂલો એવી છે કે, ભયજનક ઘોષિત કરી વર્ષોથી સમારકામના નામે સ્કૂલ બંધ કરી દેવાઈ છે. દાણીલીમડાની મ્યુનિ. સ્કૂલ તો પાંચ વર્ષથી બની રહી છે. આ સ્કૂલના બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરી દીધા છે. જેથી કેટલાય બાળકોએ ભણવાનું છોડી દીધું છે.

અમદાવાદ મ્યુનિ.સ્કૂલ બોર્ડના સભ્ય ઈલિયાસ કુરેશીએ જણાવ્યું કે અમદાવાદ મ્યુનિ.સ્કૂલ બોર્ડ દ્વારા જમાલપુર ઉર્દુ શાળા (નંબર 6 ), ગોમતીપુર શાળા (નંબર 3,4), ગોમતીપુર શાળા (નંબર 1,2), રાજપુર ઉર્દુ શાળા (નંબર 1,2,6,7), રખિયાલ હિન્દી શાળા (નંબર 1), રખિયાલ ઉર્દુ શાળા (નંબર 1,2), દાણીલીમડા ગુજરાતી શાળા (નંબર 1,2), દાણીલીમડા ગુજરાતી શાળા (નંબર 3,4) હાલમાં બંધ છે. આ તમામ શાળાઓને ભયજનક ઘોષિત કરી સમારકામ કરાઈ રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે દાણીલીમડાની બે સ્કૂલો તા. 16-2-2016થી ખાલી કરાવાઇ છે પણ આજદિન સુધી તેની કામગીરી પૂર્ણ થઈ નથી. રખિયાલ ઉર્દુ શાળાને ભયજનક ઘોષિત કરી બંધ કરી દેવાઈ છે પણ આ સ્કૂલની નીચે 28 દુકાનો કાર્યરત છે.

ઈલિયાસ કુરેશીએ જણાવ્યું કે આ સિવાય અન્ય સ્કૂલોની મુલાકાત લીધી પણ અહીં કંઈ ભયજનક નથી છતાં આ સ્કૂલો બંધ છે. આ સ્કૂલો મોટેભાગે ભાડાની મિલકત છે, જેથી સ્કૂલોને ભયજનક ઘોષિત કરી પછી લાંબો સમય બંધ રાખી મૂળ માલિકને પરત આપવાનો કારસો હોવાની શક્યતા છે. આ તમામ સ્કૂલોને ભયજનક ઘોષિત કરવાની પ્રક્રિયા સામે સવાલ છે. જેથી આ તમામ સ્કૂલો અંગે તપાસ થાય તે અંગે કમિશનરને આવેદનપત્ર આપી માંગ કરી છે. આ સિવાય આવી 35 સ્કૂલ બંધ કરી દેવાઈ છે. જે પણ વિવાદાસ્પદ છે. આ સમગ્ર પ્રકરણ અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ છે.”

(5:41 pm IST)