Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

RTE હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની ફીમાં કાપ નહીં મુકવા શાળા સંચાલક મહામંડળ દ્વારા રજૂઆત

કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારને 100 ટકા ફી ચૂકવવામાં આવે છે

અમદાવાદ : કોરોના મહામારીના કારણે હાઇકોર્ટના હુક્મ બાદ ગુજરાત સરકારે આ વર્ષે શાળાના વિદ્યાર્થીઓને ફીમાં 25 ટકા રાહત આપવાની જાહેરાત કરી હતી. જો કે શિક્ષણ વિભાગે હજુ સુધી આ અંગે કોઇ પરિપત્ર, ઠરાવ કે સૂચના બહાર પાડી નહીં હોવાથી ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે આ અંગે સરકારને રજૂઆત કરી છે કે ફરજિયાત અને મફત શિક્ષણ ધારા હેઠળ શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓની 100 ટકા ફી કેન્દ્ર સરકાર દ્વારા જે તે રાજય સરકારને ચૂકવવામાં આવે છે. તેવા સંજોગોમાં આ પ્રકારના બાળકોને મળવાપાત્ર ફીમાં કોઇ કપાત કરવામાં ન આવે તેવી રજૂઆત કરી છે.

 ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારના મફત અને ફરજિયાત શિક્ષણ ( RTE )ના કાયદાનો ગુજરાત સરકારે અક્ષરસહ અમલ કરવાનો ઠરાવ કર્યો હતો. જે અન્વયે ગુજરાતમાં પણ મફત અને ફરજિયાત શિક્ષણ 6થી 14 વર્ષની ઉંમરના બાળકો માટે અમલમાં આવ્યું છે. ગુજરાતમાં ચાલતી સ્વનિર્ભર શાળાઓમાં મફત અને ફરજિયાત શિક્ષણ ધારા હેઠળ સેન્ટ્રલ એડમિશન પધ્ધતિથી વિદ્યાર્થીઓની ફાળવણી કરવામાં આવે છે

  . ભારત સરકારના નિયમ મુજબ પ્રત્યેક વર્ગમાં 40 વિદ્યાર્થી સંખ્યા ગણીને તેના 25 ટકા એટલે કે 10 વિદ્યાર્થીઓ પ્રત્યેક શાળાને ફાળવવામાં આવે છે. જો એક કરતાં વધુ ડીવીઝન હોય તો તે મુજબ જિલ્લા શિક્ષણાધિકારી દ્રારા વિદ્યાર્થીઓની ફાળવણી થાય છે. શાળાની વાર્ષિક ફી રૂપિયા 10,000થી વધુ હોય તો પણ રૂપિયા 10 હજાર જ ચુકવાય છે. તેનાથી ઓછી હોય તો અન્ય વિદ્યાર્થીઓ પાસેથી શાળા વસૂલ લેતી ફી શાળાને ચૂકવવામાં આવે છે. જે વિદ્યાર્થીઓનું એડમીશન મફત અને ફરજિયાત શિક્ષણ ધારા હેઠળ થયુ હોય તે વિદ્યાર્થીના વાલીને પ્રતિ વર્ષ રૂપિયા 3 હજાર ગણવેશ અને અન્ય સ્ટેશનરી માટે ચુકવવામાં આવતાં હોય છે. અને તેમને ચુકવ્યા બદલની રસીદ જિલ્લા શિક્ષણાધિકારીને જમા કરાવવાની હોય છે.

વધુમાં જણાવ્યું છે કે, ફ્રેબુઆરી 2020થી અર્થાત 2019/20નું ગત શૈક્ષણિક વર્ષ અને 2020/21ના ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળાઓ હજુ સુધી શરૂ થઇ હતી. અને વાલીઓની રજૂઆત અન્વયે રાજય સરકારે હાઇકોર્ટના નિર્દેશ મુજબ તમામ સ્વનિર્ભર શાળાઓ ચાલુ શૈક્ષણિક વર્ષની શિક્ષણ ફીમાં 25 ટકા રકમ વાલીને રાહત સ્વરૂપે મજરે આપવાના હુક્મ કર્યા છે. પરંતુ મફત અને ફરજિયાત શિક્ષણ ધારા હેઠળના વિદ્યાર્થીઓની ફીમાં કોઇ કપાત કરવામાં ન આવે તેવી રજૂઆત કરી છે.

(5:30 pm IST)