Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસ: આરોપીની જજમેન્ટમાં નામમાં સુધારો કરવાની અરજી સ્પેશ્યલ કોર્ટે ફગાવી

12 વર્ષ બાદ આરોપી દ્વારા કોર્ટ રેકોર્ડમાં તેનું નામ ખોટું લખાયું છે અને જજમેન્ટમાં નામ સુધારા માટે અરજી કરી હતી.

અમદાવાદ: વર્ષ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ જજમેન્ટમાં તેના નામમાં સુધારો કરવાની અરજી અમદાવાદ સ્પેશ્યલ કોર્ટે ફગાવી દીધી છે. બૉમ્બ બ્લાસ્ટની ઘટનાના લગભગ 12 વર્ષ બાદ આરોપી દ્વારા કોર્ટ રેકોર્ડમાં તેનું નામ ખોટું લખાયું છે અને જજમેન્ટમાં નામ સુધારા માટે અરજી કરી હતી.

અમદાવાદ સ્પેશ્યલ કોર્ટે આરોપીની અરજી ફગાવતા નોંધ્યું હતું કે આરોપી તરફે કોર્ટ રેકોર્ડમાં તેના નામ સુધારાની રજુઆત કેસની ટ્રાયલ દરમિયાન કરવામાં આવી નથી. બૉમ્બ બ્લાસ્ટ કેસમાં જ્યારે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેણે પોતાનું નામ અબુ બસર ઉર્ફે અબ્દુલ રાશીદ ઉર્ફે સન ઓફ અબુ બકર શેખ જણાવાયું હતું.

આ કેસની ટ્રાયલ દરમિયાન પણ ચાર્જશીટ, રિમાન્ડ રિપોર્ટ, પ્રોડક્શન રિપોર્ટ સહિત અન્ય દસ્તાવેજોમાં જ્યારે તેનું નામ અબુ બસર લખવામાં આવ્યું ત્યારે તેમાં સુધારા માટે આરોપી તરફે કોઈ રજુઆત કરવામાં આવી ન હતી. કોર્ટે નોંધ લેતા કહ્યું કે સીઆરપીસીની કલમ 313 મુજબ જ્યારે આરોપીનું નિવેદન લેવામાં આવ્યું ત્યારે પણ કોર્ટ રેકોર્ડમાં કે અન્ય દસ્તાવેજોમાં તેનું નામ ખોટું છે અથવા સુધારા અંગેની કોઈ રજુઆત આરોપી દ્વારા કરવામાં આવી નથી.

નોંધનીય છે કે વર્ષ 2008માં બનેલી બૉમ્બ બ્લાસ્ટની ઘટનાના લગભગ 12 વર્ષ બાદ આરોપી મુફ્તી અબુ બસર દ્વારા જજમેન્ટમાં તેનું નામ અબુલ બસર તરીકે સુધારવામાં આવે તેવી માંગ સાથે અમદાવાદ સ્પેશ્યલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે કોર્ટે આરોપીની અરજીને ગ્રાહ્ય ન રાખતા જજમેન્ટમાં નામ સુધારો કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી.

વર્ષ 2008 જુલાઈમાં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં 56 લોકોના મોત નીપજ્યાં હતા. આ આંતકી હુમલાની જવાબદારી ઇન્ડિયન મુજાહીદીન દ્વારા લેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અલગ અલગ સ્થળ પરથી કુલ 70થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી.

(5:24 pm IST)