Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

વલસાડ સિટી પીઆઇ ભટ્ટના રાજમાં લુખ્ખા તત્વો બેફામ નાની મોટી ફરિયાદ કરવા જનારા સાથે ભટ્ટજીનું આરોપી જેવું વર્તન

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ શહેરમાં સિટી પીઆઇ ભટ્ટની કાર્યનીતિના કારણે લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. શહેરમાં મારામારીના અનેક બનાવો બની રહ્યા છે. જેની ફરિયાદ કરવા જતા ફરિયાદી સાથે પીઆઇ ભટ્ટ આરોપી જેવું વર્તન કરતા હોય ભોગ બનનારા લોકો ફરિયાદ કરવાથી ડરી રહ્યા છે અને લુખ્ખા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે.
વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં ગત 7મી ઓક્ટોબરના રોજ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં રામવાડીના અસામાજિક તત્વ ગણાતા એક ધનાઢ્ય યુવકે અન્યને એરગન બતાવી ધમકાવી માર માર્યો હતો. આ મારામારીની ફરિયાદ કરવા ગયેલા યુવાનને જ પીઆઇ ભટ્ટે ધમકાવી કાઢી મુક્યો હતો. તેની પાસેથી અરજી લઇ તેની સાથે જ આરોપી જેેવું વર્તન કર્યું હતુ. જેને લઇ યુવાન ગભરાઇ ગયો હતો.
આ બનાવ બાદ છીપવાડ ચોકીના જમાદારે ફરિયાદી યુવાનનું નિવેદન લીધું હતુ, પરંતુ આરોપી યુવાનને બોલાવવાની તસ્દી પણ પોલીસે લીધી ન હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે પોલીસની કાર્યનીતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને શહેરમાં અસામાજીક તત્વોને છૂટો દોર મળી રહ્યો છે.આ સંદર્ભે ફરિયાદી સાગરે જણાવ્યું કે પીઆઇ ભટ્ટે કહ્યું કે મારામારી કરી ને ખોટી રીતે અહીં આવી જાઓ છો. અને તારી ફરિયાદમાં બંદૂક નો ઉલ્લેખ ના થાય.

(5:02 pm IST)