Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

અમદાવાદ કાલુપુર રેલ્‍વે સ્‍ટેશને લુખ્‍ખાઓનો આતંક

રેલોના કોચ એટેન્‍ડન્‍ટનું અપહરણ કરી ખંડણી માંગી

અમદાવાદ: શહેરના કાલુપુર રેલવે સ્ટેશનના 12 નંબર પ્લેટફોર્મ પાસે લુખ્ખા તત્ત્વોનો આંતક વધ્યો છે. તૌફીક અને ભાંજાદાદાની ગેંગે રેલવેના કોચ એટેન્ડન્ટનું અપહરણ કરી મારમારી કરી રૂ.50 હજારની ખંડણી માંગી હતી. ગેંગના માણસોએ યુવકના મિત્રને બોલાવી પૈસા લઈ આવવા કહ્યું હતું. જેના માટે ના પાડતાં તેને પણ ગેંગના લોકોએ માર મારી ડાબો હાથ ભાંગી નાખ્યો હતો. જેથી તેને શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કાલુપુર રેલવે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ન્યુ નિકોલમાં અટક એપાર્ટમેન્ટમાં રહેતો અને કાલુપુર રેલવે સ્ટેશન પર ખાનગી રેલવે એટેન્ડન્ટ કંપનીમાં જુદી-જુદી ટ્રેનોમાં આશિષ વિનોદસિંગ ક્ષત્રિય કોચ એટેન્ડન્ટ તરીકે નોકરી કરે છે. તેની સાથે મનીષ ગુપ્તા નામનો યુવક કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે. શુક્રવારે બપોરે મનિષે આશિષને પ્લેટફોર્મ નંબર 12 પર કામ છે કહી બોલાવ્યો હતો. મનિષ ગોમતીપુરના ચારથી પાંચ લુખ્ખાઓ સાથે ઉભો હોવાથી ત્યાંથી પાછો ઓફિસ આવી ગયો હતો. ઓફિસનું કામ પતાવી બપોરે દોઢ વાગ્યે સાળંગપુર બ્રિજ ઉપર ફૂટપાથ પર શોર્ટ મોજા લેવા ઉભો હતો. ત્યારે બે બાઈક પર આવેલા મનિષ ગુપ્તા અને તેના સાગરીતે 'ચલ બેઠ જા આતે હૈ' તેમ કહી આશિષને બળજબરીથી બાઈક પર બેસાડી દીધો હતો.

મને ક્યાં લઈ જાવ છો? તેવો સવાલ આશિષે કરતા મનિષે પીઠમાં છરી અડાડી 'ચૂપચાપ બેઠ વરના પુરી ઉતાર દુંગા' તેવી ધમકી આપી હતી. આરોપીઓ આશિષને કોઈ પતરાવાળી ઓરડીમાં લઈ ગયા અને મારમાર્યો હતો. મનિષે 'તેરા પર્સ ભાંજા દાદા કો દે દે' તેમ કહી બધું લઈ લીધું હતું. આશિષએ રડતાં રડતાં છોડી દેવા આજીજી કરતા એક શખ્સે આવી ફરી મારમાર્યો હતો. શખ્સે 'તું મેરે કો જાનતા નહી, મેરા નામ તૌફીક હૈ, મે યહાં કા દાદા હું, પુલીસ ભી મેરે સે ડરતી હૈ, મેને પુલીસવાલે કો છુરી હીલા દી થી' મનિષે કહ્યું કે, લોકો ખતરનાક છે મર્ડર કરી ચૂક્યા છે અને પોલીસવાળાને પણ છરી મારી છે. તારે છૂટવું હોય તો તૌફીક દાદાને પૈસા આપવા પડશે. તેમ કહી આશિષને ઘરે ફોન કરી 50 હજાર મંગાવવા કહ્યું હતું. જોકે, આશિષએ ઘરે પૈસા નહિ હોય તેમ જણાવી ફોન ના કર્યો આથી આરોપીઓએ તેણે ગડદાપાટુનો મારમાર્યો હતો.

આરોપીએ આશિષના મિત્ર જયદીપને બોલાવ્યો હતો. જયદીપએ પણ આશિષના ઘરે ફોન કરવાની ના પાડતા આરોપીઓએ તેણે લાકડાના ફટકા મારી ઈજા કરી ડાબા હાથે ફ્રેક્ચર કરી પરત જવા દીધો હતો. આશિષનો ફોન બંધ આવતા તેની બહેને મનિષ ગુપ્તાને ફોન કર્યો હતો. ગુપ્તાએ તારા ભાઈને છોડાવવો હોય તો 50 હજાર લઈ કાલુપુર બાવાની દરગાહ પાછળ આવી જા, તેમ આશિષની બહેનને કહ્યું હતું.

(12:01 pm IST)