Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વડોદરા:જાંબુઆ બ્રિજ નજીક ગરબા રમવા મુદ્દે બે ભાઈઓ પર ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના જાંબુઆ બ્રિજ પાસેના પાનના ગલ્લા ખાતે ગરબા રમવા મુદ્દે બે ભાઈઓ ઉપર ઘાતક હથિયાર સાથે એક પરિચિત સહિતની ત્રિપુટીએ જીવલેણ હુમલો કરતા બંને ભાઈઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યાં માથામાં તિક્ષણ હથિયારનો ઘા વાગતા એકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. 

વડોદરા તાલુકાના અણખી ગામે રહેતા અંકિત પાટણવાડીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાત્રે હું મારા પિતરાઈ ભાઈ ગૌતમ પાટણવાડીયા સાથે મકરપુરા ગામ પાસે ગરબા રમવા માટે ગયો હતો. ગરબા પૂર્ણ થતા જાંબુઆ બ્રિજ પાસે અમે પાન પડીકીના ગલ્લે ઊભા રહ્યા હતા. તે સમયે પ્રેમ મનોજ ગોસ્વામી ( રહે - સર્વોદય ટાઉનશિપ , જામ્બુઆ જકાતનાકા પાસે ) સાથે અન્ય બે શખ્સો ઘસી આવ્યા હતા, અને ક્યાં ગરબા રમી આવ્યા પાસ ક્યાં છે ? તેમ કહી ઝઘડો કર્યો હતો. અને ત્રણેય શખ્સોએ તેમની પાસે રહેલ લોખંડની પાઇપ ,ડંડા તથા ધારીયા જેવા તીક્ષણ હથિયાર વડે મારી ઉપર તથા ગૌતમ ઉપર હુમલો કર્યો હતો. પ્રેમ ગોસ્વામીએ ગૌતમને માથાના ભાગે તિક્ષણ હથિયારનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી છે. ઉપરોક્ત ફરિયાદના આધારે મકરપુરા પોલીસે હુમલાખોર ત્રિપુટી વિરૂદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(4:58 pm IST)