Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

માતાના મઢ ખાતે આઠમે નોરતે ચામર-પતરી વિધિ કરવાની પ્રીતિદેવીની અરજી ભુજ કોર્ટ દ્વારા ફગાવાઈ

મહારાજકુમાર હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજા દ્વારા આ વિધિ સંપન્ન કરવાનો માર્ગ મોકળો

ભુજ :માતાના મઢ ખાતે આઠમે નોરતે ચામર-પતરી વિધિ કરવા કરવાની કચ્છના રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજીના પત્ની એવા પ્રીતિદેવીની અરજી ભુજ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. જેને પગલે હવે કચ્છનાં રાજવી કુટુંબમાં વંશાનુક્રમે આવતા મહારાવ મદનસિંહજીના પુત્ર એવા મહારાજકુમાર હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજા દ્વારા આ વિધિ સંપન્ન કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જોકે ભુજની અધિક જિલ્લા કોર્ટે દ્વારા આ મામલે શુક્રવારે સાંજે નિર્ણય જાહેર કરે તે પહેલા જ પ્રીતીદેવી દ્વારા સવારે ચામર ઉપાડવાની વિધિ કરી દેવામાં આવી હતી. એટલે ભુજ કોર્ટ આ મામલે શું રૂખ અખત્યાર કરે છે તે જોવાનું રહ્યું. 

ભુજ કોર્ટમાં મહારાજકુમાર હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજા તરફથી દલીલ કરતા સિનિયર એડવોકેટ યોગેશ ભંડારકરે ગુજરાત હાઇકોર્ટનાં ચુકાદાને ટાંકીને વિધિનો અધિકાર વંશાનુક્રમે આવતા મહારાવ મદનસિંહજીના પુત્ર એવા મહારાજકુમાર હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજાનો હક હોવાનુ જણાવ્યુ હતું. હાઇકોર્ટ દ્વારા ભુજ કોર્ટનો હુકમ રદ્દ કરી દેવાના કેસમાં દયાપર કોર્ટનો હુકમ અમલમાં હોવાની વાત પણ તેમણે કરી હતી. ગુરુવારે ભુજની કોર્ટમાં અધિક જિલ્લા જજ પંડ્યા સમક્ષ બંને પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી. જેને પગલે કોર્ટે આજે શુક્રવારે ચુકાદો આપવાનું નક્કી કર્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ જ પ્રીતીદેવીની અરજીમાં કોઈ તથ્ય ન લાગતું હોવાનુ જણાવીને કોર્ટે તેમની માતાના મઢ ખાતે પતરી વિધિ કરવા અંગેની અરજી રદ્દ કરી દીધી હતી. 

પ્રીતીદેવી દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી કે, વિધિ કરતી વેળાએ મસલ પાવરનો ઉપયોગ કરીને તેમને અટકાવવામાં આવી શકે છે. રાજ પરિવારની અખબારમાં આપવામાં આવેલી સામસામે જાહેરાત પછી મામલો ભુજ કોર્ટમાં પહોંચ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, આસો નવરાત્રીના આઠમે નોરતે કચ્છના રાજવી પરિવાર દ્વારા ચામર-પતરી વિધિ કરવામાં આવે છે. અને આ અંગે ગુજરાત હાઇકોર્ટના તાજેતરના ચુકાદા પછી પણ ભુજના રણજિતવિલાસ પેલેસની ચામર-પતરી વિધિ અંગેની જાહેરાતને પગલે મામલો વધુ ગૂંચવાયો હતો. જેમાં સામા પક્ષે વંશાનુક્રમે આવતા મહારાવ મદનસિંહજીના પુત્ર એવા મહારાજકુમાર હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજાએ કન્ટેમ્ટ ઓફ કોર્ટ સહિતની કાયદાકીય પ્રક્રિયા કરવા માટે તૈયારીઓ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. મંગળવારે કચ્છના એક જિલ્લા કક્ષાના અખબારમાં રણજિતવિલાસ પેલેસ દ્વારા આપવામાં આવેલી જાહેર ખબરમાં એવો દાવો કરવામાં આવ્યો છે હતો કે, આગામી તારીખ 03/10/2022ના આઠમા નોરતે મહારાણી પ્રીતિદેવી દ્વારા માતાના મઢ ખાતે ચામર-પતરી  વિધિ કરવામાં આવશે. જેને પગલે આ વિવાદ વધુ વકર્યો હતો. ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ષ 2021માં ભુજ કોર્ટે કચ્છના રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવીને વિધિ કરવા અંગેનો જે ચુકાદો આપવામાં આવ્યો હતો તેને રદ્દ કરવામાં આવેલો છે. અને ત્યારથી હાઇકોર્ટના હુકમનું અર્થઘટન પોતાની રીતે કરવામાં આવતા રાજવી કુટુંબનો ગજગ્રાહ લોકો વચ્ચે આવી રહ્યો છે. 

(9:51 pm IST)